Soldier Dinesh Lagariya gets Sena Medal: હાલારની ધરતી હંમેશા શૂરવીરોની ભૂમિ રહી છે અને આ વાતને ફરી એકવાર સાર્થક કરી છે જામનગરના ખંભાળિયાના માધુપુર ગામના વતની દિનેશભાઈ પાલાભાઈ લગારીયાએ. ભારતીય સેનામાં ફરજ બજાવતા દિનેશભાઈને તેમની અદમ્ય બહાદુરી અને સાહસ બદલ પ્રતિષ્ઠિત 'સેના મેડલ'થી સન્માનિત કરવામાં આવ્યા છે.
શું હતું 'ઓપરેશન સિંદૂર'?
દિનેશભાઈ ભારતીય સેનાની '12મી બટાલિયન 'ધ ગ્રેનેડિયન્સ રેજિમેન્ટ'માં ફરજ બજાવે છે. જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા 'ઓપરેશન સિંદૂર' દરમિયાન તેમને એક અત્યંત જોખમી જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઓપરેશનમાં આતંકવાદીઓના ચોક્કસ ઠેકાણાઓને તોડી પાડવાના હતા.

જીવના જોખમે મિસાઈલ હુમલો
જ્યારે આ ઓપરેશન ચાલતું હતું, ત્યારે આતંકીઓ તરફથી સતત ગોળીબાર અને બોમ્બમારો થઈ રહ્યો હતો. આવી ભયાનક સ્થિતિમાં પણ વિચલિત થયા વગર, દિનેશભાઈએ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. તેમણે સચોટ નિશાન સાધીને આતંકવાદીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કરી નાખ્યા હતા. આ હુમલાને કારણે દુશ્મનોની યોજનાઓ નિષ્ફળ ગઈ હતી અને સેનાને મોટી સફળતા મળી હતી.
આ પણ વાંચો: સુરતની હૃદય ધ્રૂજાવતી ઘટના: નજર સામે પત્નીએ આત્મવિલોપન કર્યું, પતિ વીડિયો ઉતારતો રહ્યો
જયપુર ખાતે સન્માન
તેમની આ વીરતા અને દેશ પ્રત્યેની અતૂટ નિષ્ઠાની કદર કરતા, આર્મી ડે નિમિત્તે જયપુર ખાતે આયોજિત એક ખાસ સમારોહમાં તેમને 'સેના મેડલ' આપીને નવાજવામાં આવ્યા હતા. દિનેશભાઈની આ સિદ્ધિથી તેમના વતન માધુપુર ગામ, ખંભાળિયા તાલુકા અને સમગ્ર જામનગર જિલ્લામાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ વીર જવાનને વધાવી રહ્યા છે.


