Get The App

સુરતની હૃદય ધ્રૂજાવતી ઘટના: નજર સામે પત્નીએ આત્મવિલોપન કર્યું, પતિ વીડિયો ઉતારતો રહ્યો

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
સુરતની હૃદય ધ્રૂજાવતી ઘટના: નજર સામે પત્નીએ આત્મવિલોપન કર્યું, પતિ વીડિયો ઉતારતો રહ્યો 1 - image


Surat Crime News: સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને આઘાતજનક ઘટના સામે આવી છે. જ્યાં એક પતિએ ક્રૂરતાની પરાકાષ્ઠા વટાવતા, આગમાં લપેટાયેલી પત્નીને બચાવવાને બદલે તેનો મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો. પત્નીને આપઘાત માટે ઉશ્કેરનાર અને પુરાવા એકત્ર કરવાના બહાને વીડિયો બનાવનાર આરોપી પતિની પોલીસે ધરપકડ કરી લીધી છે.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, મૂળ બિહારની 33 વર્ષીય પ્રતિમાદેવીના લગ્ન ત્રણ વર્ષ અગાઉ સુરતના ઈચ્છાપોરમાં રહેતા રંજિત દિલીપ સાથે થયા હતા. લગ્ન બાદથી જ રંજિત નાની-નાની વાતોમાં ઝઘડો કરી પ્રતિમાદેવીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. ઘટનાના દિવસે પણ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જ્યારે પ્રતિમાદેવીએ કંટાળીને મરી જવાની વાત કરી, ત્યારે રંજિતે તેને શાંત પાડવાને બદલે ઘરમાં પડેલા તેલથી સળગી જવા માટે ઉશ્કેરી હતી.

આ પણ વાંચો: સુરતમાં વાસી ઉત્તરાયણે કાળજું કંપાવતી ઘટના, સોસાયટીમાં સાયકલ ચલાવતા માસૂમનું દોરીથી ગળું કપાતા કરુણ મોત

પતિની ઉશ્કેરણીથી આવેશમાં આવી પ્રતિમાદેવીએ પોતાના શરીર પર જ્વલંતશીલ પદાર્થ છાંટી આગ ચાંપી દીધી હતી. જ્યારે પત્ની મદદ માટે ચીસો પાડી રહી હતી અને આગમાં ઘેરાયેલી હતી, ત્યારે રંજિતે આગ ઓલવવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો અને પોતાના મોબાઈલ ફોનથી પત્નીની સળગતી હાલતનો વીડિયો ઉતારવાનું શરૂ કરી દીધું હતું. ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાદેવીને સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. 

ઘટનાને લઈ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતાની ફરિયાદના આધારે જમાઈ રંજિત દિલીપ સાહ (રહે. ઘર નં. એમ/30, જયરાજ સોસાયટી, ઈચ્છાપોર બસ સ્ટેન્ડ-3) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા સહિતની ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.  પોલીસે આરોપી પતિની ધરપકડ કરી તેનો મોબાઈલ ફોન કબજે લીધો છે.