જામનગર: શ્રાવણ માસના અંતિમ દિવસે શિવાલયોમાં ભીડ, શનિવારી અમાસે પિતૃઓનાં કલ્ણાયાર્થે પીપળા પૂજન
Shravan 2025: 'છોટી કાશી'નું બિરૂદ પામેલા જામનગર શહેરમાં શ્રાવણ માસનાં અંતિમ દિવસ એટલે કે અમાસે શિવાલયોમાં ભક્તો ઉમટ્યા હતા. કુશગ્રહણી અમાસ તથા પિઠોરી અમાસ તરીકે ઓળખાતી શ્રાવણી અમાસ શનિવારી (23મી ઓગસ્ટ) પણ હોવાથી ધાર્મિક દ્રષ્ટીએ તેનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. શ્રાવણ માસનાં અંતિમ દિવસે ભોળાનાથને રિઝવવા ભક્તો પ્રચંડ શ્રદ્ધા સાથે શિવાલયોમાં પહોંચ્યા હતા અને ભક્તિ ભાવ સાથે શિવ આરાધના કરીને પવિત્ર શ્રાવણ માસની ભાવ પૂર્વક પૂર્ણાહુતી કરી હતી.
શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ
અમાસના પિતૃઓની સદગતિ માટે પીપળે પાણી અર્પણ કરી પ્રાર્થના કરવાની પરંપરા હોય છે. ત્યારે પીપળાનું વૃક્ષ ધરાવતા શિવાલયોમાં વિશેષ ભીડ જોવા મળી હતી. અમાસને અનુલક્ષીને વિવિધ શિવાલયોમાં વિવિધ ઝાંખી તથા મહાઆરતી સહિતનાં આયોજન થયા છે. કે.વી.રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી ભક્તોનું આવાગમન આરંભ થયું હતું. અહીં ગણપતિ, હનુમાનજી તથા કાળ ભૈરવ, ચંડ ભૈરવ અને બટુક ભૈરવ પણ બિરાજમાન હોવાથી શ્રી કાશી વિશ્વનાથનાં આશિષ મેળવવા ઉપરાંત શનિવારે હનુમાન ઉપાસના તથા ભૈરવ ઉપાસના કરવા માટે પણ ભક્તો પહોંચ્યા હતા. મંદિર પ્રાંગણમાં આવેલ પીપળાનાં વૃક્ષ પર જલ રેડી લોકોએ પૂર્વજોનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં ભક્તોએ હર હર મહાદેવનો જયઘોષ કર્યો
જામધર્માદા ટ્રસ્ટ સંચાલિત તથા શહેરની સ્થાપના પૂર્વેના માનવામાં આવતા પુરાણ પ્રસિદ્ધ શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં ભક્તોએ હર હર મહાદેવનો જયઘોષ કર્યો હતો. અહીં પણ વિરાટકાય સ્વરૂપમાં હનુમાનજી બિરાજે છે તથા બટુક ભૈરવજી તથા કાળ ભૈરવ દાદાનુ પણ સ્થાનક હોય શનિવાર અને અમાસનાં શિવ તથા રુદ્રાવતારો તથા શિવગણની ઉપાસના કરવા ભક્તો બહોળી સંખ્યામાં પહોંચ્યા હતાં.
શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરે વિરાટ શિવલિંગ પર જલાભિષેક કરાયો
શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરે વિરાટ શિવલિંગ પર જલાભિષેક તથા બિલીપત્ર અર્પણ કરી 'હર હર મહાદેવ'નો નાદ ગૂંજતો કરવામાં આવ્યો હતો. નવાનગરની સ્થાપના પહેલાનાં નાગનેશ બંદરનાં આ મંદિરમાં નાગેશ્વર સ્વરૂપે બિરજતા ભગવાન શંકર ધર્મનગરીમાં જનમાનસમાં રાજા તરીકે પૂજાતા હોવાની માન્યતા મંદિરનાં ઐતિહાસિક ઉલ્લેખો પરથી જાણવા મળે છે.
શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે શ્રાવણી અમાસે બહોળી સંખ્યામાં ભક્તો પહોંચ્યા
ટાઉનહોલ નજીક આવેલ અને જામધર્માદા ટ્રસ્ટ સંચાલિત સુપ્રસિદ્ધ શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે પણ શ્રાવણી અમાસે બહોળી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતાં અને પોતાપોતાની ભીડ ભાંગવા અર્થાત દુઃખ દૂર કરવા ભગવાન શંકરને પ્રાર્થના કરી હતી.
શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે ભસ્મ આરતી કરાઈ
સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે શ્રાવણ મહિનામાં દર સોમવારે ભસ્મ આરતી યોજાય છે અને ભક્તોને મહાદેવનાં મહાકાલ સ્વરૂપનાં દર્શન થાય છે. આજે અમાસ હોવાથી શ્રાવણ મહિનાનાં અંતિમ દિવલે ભસ્મ આરતી કરવામાં આવી હતી. અહીં પીપળાનું વૃક્ષ પણ હોય ભક્તોએ પિતૃઓની સદગતિ માટે પીપળા પૂજન પણ કર્યુ હતું.
શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરે શિવભક્તોએ પૂજન અર્ચન કરી
સેતાવડ નજીક સેન્ટ્રલ બેંક રોડ પર આવેલ શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરે પણ નિયમિત શિવ આરાધના કરવા આવતા સ્થાનિક શ્રદ્ધાળુઓ ઉપરાંત અમાસને અનુલક્ષીને અન્ય શિવભક્તો પણ પૂજન અર્ચન કરવા પહોંચ્યા હતાં.
શ્રી હેમેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ શિવ આરાધના કરી
વિવિધ શિવાલયોમાં પણ દેવાધિદેવ મહાદેવની આરાધના માટે વિશેષ શ્રીંગાર, મહાઆરતી, થાળ, ધ્વજારોહણ, મંત્રોચ્ચાર તથા વિશેષ પૂજન સહિતનાં ધર્મકાર્યો યોજાયા હતા. પંચેશ્વર ટાવર પાસે નાગોરી જ્ઞાતિનાં શ્રી હેમેશ્વર મહાદેવ મંદિરે પણ જ્ઞાતિજનો ઉપરાંત નિત્ય દર્શનાર્થે આવતા ભક્તોએ શિવ આરાધના કરી હતી.
શ્રી ભીમાશંકર મહાદેવને પ્રસન્ન કરવા શિવ ભક્તો ઉમટ્યા
લોહાણા મહાજન વાડી સ્થિત શ્રી ભીમાશંકર મહાદેવને પ્રસન્ન કરવા માટે પણ રઘુવંશી બંધુઓ તથા અન્ય શિવ ભક્તો ઉમટ્યા હતાં. એ જ રીતે સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ વડવગરા નાગર જ્ઞાતિનાં શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે પણ નાગર જ્ઞાતિનાં લોકો તથા અન્ય શિવ ભક્તો પણ ઉમટ્યા હતાં અને જય હાટકેશનો નાદ શ્રદ્ધાપૂર્વક બુલંદ કર્યો હતો.
શ્રી સુખનાથ મહાદેવ અને શ્રી મણિકંકેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું શીશ ઝુકાવી ધન્યતા અનુભવી
ખોજાનાકા વિસ્તાર પાછળનાં વાડી વિસ્તારમાં નદીનાં કિનારે આવેલ પ્રાચીન શ્રી સુખનાથ મહાદેવ મંદિરે પણ ભક્તો બહોળી સંખ્યામાં પહોંચ્યા હતાં. વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદાચાર્ય ઝંડુ ભટ્ટજી તથા તેમનાં ભાઈ રસેશાચાર્ય મણીશંકર વિઠ્ઠલજીએ અહીં રસશાળાની સ્થાપના કરી હતી જ્યાં વિવિધ ઔષધો બનતા અને દર્દીઓને દાખલ કરી સારવાર આપવામાં આવતી. એટલે કે હોસ્પિટલોના ઉદભવ પહેલા અહીં ઇન્ડોર ટ્રીટમેન્ટ આપવામાં આવતી. આમ અહીં રૂદ્રનાં સાંનિધ્યમાં પ્રથમ ઋગ્ણાલય સર્જાયુ હતું. જે અહીંનાં ધાર્મિક ઉપરાંત ઐતિહાસિક મહત્વને ઉજાગર કરે છે.
આ પણ વાંચો: પોરબંદરના દૂધેશ્વર મહાદેવ: એક ગાય રોજ એક ચોક્કસ જગ્યાએ જઈને દૂધનો અભિષેક કરતી હતી
આ જ વિસ્તારમાં વધુ અંદર તરફ જતા નદીકાંઠે ટેકરી પર શ્રી મણિકંકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પણ અતિ પ્રાચીન હોવાની માન્યતા છે. અહીં સતવારા સમાજનાં સ્થાનિક લોકો શિવ આરાધના માટે બહોળી સંખ્યામાં ઉમટે છે તથા અન્ય શિવભક્તો પણ આ પ્રાચીન મંદિરે શીશ ઝુકાવી ધન્યતા અનુભવેછે.
ફરાળી વાનગીઓનાં વિક્રેતાઓને ત્યાં ભીડ
શહેરનાં વિવિધ શિવાલયો તથા મંદિરો પાસે ટ્રાફિક નિયમન જળવાઇ રહે એ માટે સુરક્ષા તંત્ર દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આખો શ્રાવણ માસ ઉપવાસ-એકટાણા કરતા શિવભક્તો આજે ઉપવાસ-એકટાણા વ્રત સંપન્ન કરવાના હોય ફરાળી વાનગીઓનાં વિક્રેતાઓને ત્યાં પણ ભીડ જોવા મળી રહી છે. આમ ભક્તિ સાથે એક અર્થતંત્ર પણ જોડાયેલું છે, જે ધર્મને પરંપરાનાં માધ્યમથી વહેતો રાખવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. આજે સાંજે શ્રાવણ મહિનાની શનિવારે અમાસે વિવિધ શિવ મંદિરોમાં વિવિધ ઝાંખી-મહાઆરતી સહિતનાં ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ભક્તિની પ્રચંડતા સાથે શ્રાવણ માસ પૂર્ણ કરી સાધનામાં પરમતાની ભાવનાને આત્મસાત કરવા ભક્તો સંકલ્પબદ્ધ છે.