પોરબંદરના દૂધેશ્વર મહાદેવ: એક ગાય રોજ એક ચોક્કસ જગ્યાએ જઈને દૂધનો અભિષેક કરતી હતી
shravan 2025: સુદામાપુરી પોરબંદરના વાઘેશ્વરી પ્લોટ પાસે આવેલું 700 વર્ષ જૂનું દૂધેશ્વર મહાદેવ મંદિર તેની પ્રાચીનતા અને ચમત્કારિક સ્વયંભૂ શિવલિંગ માટે જાણીતું છે. શિવલિંગ પ્રાગટ્ય, નાગાબાવાઓનો ઇતિહાસ અને રાજવી પરિવારની શ્રદ્ધાનું સાક્ષી એવા આ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે આવો જાણીએ આ અલૌકિક મંદિર અને તેના ઇતિહાસ વિશે...
શિવલિંગ પ્રગટ થવાનો ઇતિહાસ
આશરે 700 વર્ષ પહેલાં ગીરનારના જંગલમાંથી નાગાબાવાઓની જમાત સુદામાપુરી(પોરબંદર)ના દર્શને આવી હતી. તેઓ મીઠા તળાવ સામેના જંગલ વિસ્તારમાં રોકાયા હતા. તે સમયે એક ગાય રોજ એક ચોક્કસ જગ્યાએ જઈને દૂધનો અભિષેક કરતી હતી. આ દૃશ્ય જોઈને નાગાબાવાઓએ તે જગ્યાએ ખોદકામ કર્યું તો પાણીની અંદર સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલું જોવા મળ્યું. તેમણે ત્યાં જ મહાદેવની પૂજા-તપસ્યા શરુ કરી. આ જગ્યાનું નામ પહેલાં 'દુદાસર' રાખવામાં આવ્યું હતું, જે પાછળથી દૂધેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત થયું.
આ પણ વાંચો: જામનગર: શ્રાવણના બીજા સોમવારે શિવભક્તિનો મહિમા અપરંપાર, અનેક શિવાલયોમાં ભક્તોની ભીડ
રાજવી પરિવારની અતૂટ શ્રદ્ધા
પોરબંદરના મહારાજા નટવરસિંહજીના પિતા ભાવસિંહજી અને માતા રામબા સાહેબ પણ દૂધેશ્વર મહાદેવના દર્શને આવતા હતા. ઈ.સ. 1920માં નટવરસિંહજીના રાજ્યાભિષેક સમયે તેમણે શિવાલયને 567 ચોરસવાર જમીન અર્પણ કરી હતી. રાજા અને તેમના પરિવાર દ્વારા શ્રાવણ માસ દરમિયાન અહીં પૂજા-અર્ચના થતી હતી. આ મંદિરની આસપાસ એક મોટું તળાવ અને 10-12 વાવ હતી, જ્યાં સાધુ-સંતો સ્નાન કરીને પૂજા કરતા હતા.
આજે પણ આ મંદિર સેંકડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. શ્રાવણ માસમાં દરરોજ શિવલિંગ પર વિવિધ શૃંગાર કરવામાં આવે છે, જેના દર્શન માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે.