Get The App

જામનગરમાં જ્વેલર્સની જુનવાણી દુકાનમાં બાકોરું પાડી 26 લાખના ઘરેણાંની ચોરી કરનાર ત્રણની ધરપકડ

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં જ્વેલર્સની જુનવાણી દુકાનમાં બાકોરું પાડી 26 લાખના ઘરેણાંની ચોરી કરનાર ત્રણની ધરપકડ 1 - image


Jamnagar News: જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલા તુલજા ભવાની જ્વેલર્સ થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે, સોના ચાંદીના શોરૂમ માંથી ત્રણ દિવસ પહેલાં કોઈ તસ્કરોએ પાછળની દીવાલમાં બાકોરું પાડી સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી હતી. જેની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં ઊંડાણપૂર્વકની તપાસ કરીને ધ્રોલ-જોડિયા રોડ પરથી ચોરેલા મુદ્દામાલ સાથે બાઇક પર ભાગી રહેલા ત્રણ તસ્કરોને ઝડપી લીધા છે, તેઓ પાસેથી રૂપિયા 26.96 લાખની કિંમતના ઘરેણાં અને બે બાઈક વગેરે કબજે કરવામાં આવ્યા છે. 

14 જાન્યુઆરીની રાત્રે ધાડ પડી હતી

જોડીયા તાલુકાના હડિયાણા ગામના વતની સોની વેપારી પ્રકાશ હેમતલાલ સોનીની ધ્રોલ નગરપાલિકા સામે આવેલી દુકાનમાં 14 જાન્યુઆરીની રાત્રે તસ્કરોએ ધાડ પાડી હતી. ચોરો દુકાનની પાછળની દિવાલમાં બાકોરું પાડી, દુકાનમાથી સોના ચાંદી સેરવી ગયા હતા. જેની અંદાજિત કિંમત 26 લાખથી વધુ હતી. જેની ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. 

ચોક્કસ બાતમી મળી કે..

ફરિયાદ બાદ LCBની ટીમો તસ્કરોને પકડી પાડવા સક્રિય થઈ હતી. તપાસમાં ચોક્કસ બાતમી મળી હતી કે જ્વેલર્સમાં ચોરી કરનાર ચોરો બાઈક લઈ જોડિયાથી ધ્રોલ તરફ આવી રહ્યા છે. પોલીસે તેમને પકડવાની પૂરતી તૈયારી કરી દીધી હતી. 

ત્રણ આરોપીની ઘરપકડ બાદ મુદ્દામાલ જપ્ત

ધ્રોલમાં ચામુડા પ્લોટ પાણીના ટાકા પાસે વોચ ગોઠવી હિંમત પાંગળાભાઇ મહેડા, ટીનુ પાંગળાભાઈ  મહેડા, શૈલેષ નવલસીંગ મહેડા નામના આરોપીઑની અટકાયત કરી હતી. જેમની પાસેથી સોનાની કિંમત 17 લાખ 50 હજાર અને ચાંદીની 9 લાખ 46 હજારના દાગીના જપ્ત લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી બે બાઈક અને 4 નંગ મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા હતા. ચોરીમાં ઉપયોગમાં લેવાયેલો સળિયો પણ પોલીસ ટીમને મળી આવ્યો હતો. 

આ પણ વાંચો: સિદ્ધપુર: દોડીને રસ્તો ક્રોસ કરતી બાળકી મીની ટેમ્પોની અડફેટે આવી, હૃદયદ્રાવક અકસ્માતના દ્રશ્યો CCTVમાં કેદ

કેવી રીતે આપ્યો ગુનાને અંજામ?

તપાસમાં ખૂલ્યું છે કે લોખંડના ધારદાર સળિયા વડે જુનવાણી દુકાનના પાછળના ભાગની દીવાલમાં સૌપ્રથમ એક ઈંટને તોડી નાખી હતી, ત્યારબાદ અંદર હાથ નાખી એક પછી એક ઈટ કાઢીને અવાજ ન થાય તે રીતે બાકોરું પાડી દીધું હતું, અને અંદર  ઘૂસી શકાય તેટલી જગ્યા બનાવીને એક પછી તસ્કરો અંદર ગયા હતા અને તમામ ઘરેણાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા.