Patan News: પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ડીંડરોલ ગામે મામવાડા રોડ પર કાળજું કંપાવે તેવો અકસ્માત થયો છે. પૂરપાટ ઝડપે આવતી પીકઅપ વાને બેધ્યાનમાં રસ્તો ઓળંગતી નાની બાળકીને ટક્કર મારી છે. જેમાં બાળકીને ગંભીર ઈજાઓ થતાં તેને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.
મકાનના CCTVમાં અકસ્માત કેદ
ડીંડરોલ ગામમાં રહેણાક વિસ્તારમાંથી એક મુખ્ય માર્ગ પસાર થયા છે, જ્યાં ગત શનિવારે આ ઘટના ઘટી હતી. સમગ્ર બનાવ રોડની બાજુમાં આવેલા મકાનના CCTVમાં કેદ થયો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે બે નાની બાળકીઓ રસ્તાની એક તરફ ઊભી હતી, જેમાંથી એક બાળકી રોડની બંને તરફ એક વખત જુએ છે કે કોઈ સાધન આવતું નથી ને?, તે બાદ તે ઝડપભેર રસ્તો ઓળંગવા જાય છે..
પીકઅપ વાને ટક્કર બાદ બાળકીને કચડી
જેમાં પૂરપાટ ઝડપથી આવતી પીકઅપ વાન બાળકીને અડફેટે લે છે. જે બાદ નીચે ઘસડાઈને પડેલી બાળકી પર પીકવાન/જીપ/ડાલું ચઢી જતાં તે કચડાઈ જાય છે!, અકસ્માત બાદ રોડની બીજી તરફ ઊભેલી બાળકી બૂમાબૂમ કરી મૂકે છે, જેથી ઘણા બાળકો અને સ્થાનિક લોકો ભેગા થઈ જાય છે. પરિવારને પણ ઘટનાની જાણ કરવામાં આવતા તે બાળકી તરફ દોટ મૂકે છે.
આ પણ વાંચો: ઝારખંડમાં ગંભીર અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ પલટી, પાંચના મોત, અનેકને ઈજા
બાળકીની હાલત ખૂબ નાજૂક
બાળકીને ગંભીર હાલતમાં જોતાં તેને તાત્કાલિક સ્થાનિક સ્તરે પ્રાથમિક સારવાર આપવામાં આવે છે જે બાદ તેને મહેસાણાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, જ્યાં તેની સ્થિતિ અતિ ગંભીર છે, હાલ ગ્રામજનો અને પંથકના લોકો બાળકી વહેલી તંદુરસ્ત થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. બીજી તરફ માર્ગો પર વાહનોની અનિયંત્રિત ગતિ અને બાળકોની સુરક્ષા અંગે સ્થાનિકોએ રોષ પણ ઠાલવ્યો છે.
અકસ્માતના દ્રશ્યો વિચલિત કરે તેવા હોવાથી અહીં શેર કરવામાં આવ્યા નથી


