Jamnagar News: જામનગર શહેરમાં રખડતા પશુઓને પકડવામાં અને પકડાયા પછી પણ છોડી મુકવામાં આર્થિક વિહવટ ચાલતો હોવાનો આક્ષેપ કોંગી કોર્પોરેટર દ્વારા કરાયો છે. એક પશુપાલક પોતાની પકડાયેલી 3 ગાયો છોડાવવા જતાં ડબ્બામાં તેની બે જ ગાયો જોવા મળી અને ત્રીજીની માહિતી ખુદ કર્મચારીઓ પાસે પણ ન હોવાનું સામે આવ્યું હતું, ઉપરાંત સી.સી.ટી.વી. કેમેરા પણ દસ દિવસથી બંધ હોવાનું ખૂલતાં પશુપાલક અને સાથે આવેલા મહિલા કોંગી કોર્પોરેટરએ વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. જેમાં મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં ચાલતા રગડ-ધગડ વહિવટ અને પશુ પકડવામાં તેમજ અધવચ્ચે છોડી મુકવામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યો છે.
ત્રણ ગાયો પકડીને લઈ ગયા હતા
નવાગામ ઘેડમાં રહેતા નાવિક ચાવડા નામના યુવકની ત્રણ ગાયો કોર્પોરેશનની પશુ પકડવાની ટીમ પકડી ગઈ હતી. તેથી તેણે તંત્ર પાસેથી વિગતો મેળવીને ગાયને જ્યાં રાખી હતી. તે રણજીતસાગર ડેમ નજીકના કોર્પોરેશનના ડબ્બા ખાતે ગયો હતો. જ્યાં તે ગાય દીઠ દંડની રકમ આપવા માંગતો હતો. પરંતુ પકડાયેલી 3 માંથી બે જ ગયો જોવા મળતાં તેણે પોતાના વિસ્તારના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને જાણ કરી હતી. તેમજ તેઓને પણ વાસ્તવિક્તા દેખાડવા બોલાવ્યા હતા. જ્યાં માલધારી યુવક અને તેની સાથેના તમામે તપાસ કરતાં ત્રીજી ગાય મળી આવી ન હતી.
ત્રીજી ગાય ગઈ તો ગઈ ક્યાં!
તેથી તેઓએ સ્ટાફને સવાલ કર્યો હતો કે, ઉંચી વંડીવાળી જગ્યા છે અને બે દરવાજે તાળા છે. તો ગાય ગઈ ક્યાં, પરંતુ આ પશ્નનો જવાબ સ્ટાફ આપી શક્યો ન હતો. તેથી યુવકો અને મહીલા કોર્પોરેટરએ સીસીટીવી કેમેરાના ફૂટેજ માગ્યા હતા. પણ હાજર સ્ટાફે 10 દિવસથી કેમેરા બંધ હોવાનું જણાવ્યું હતી. જે બાદ વીડિયો વાઈરલ કર્યો હતો.
જેમાં પશુપાલક યુવાનોએ આક્ષેપ કર્યો હતો કે, ઢોરના ડબ્બા સુધી પશુઓ પહોંચે ત્યાર પહેલા પશુ પકડ પાર્ટીવાળા વહીવટ કરીને ગાયોને અધવચ્ચે છોડી મુકે છે. ઉપરાંત ઢોરના ડબ્બે આવેલી ગાયોમાંથી અમુકને પાછલે બારણેથી જવા દેવામાં આવે છે. આ ગાય ક્યાં જાય છે ? કે કોણ લઈ જાય છે ? તે તપાસનો વિષય છે. કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ કહ્યું હતું કે આ મામલે તા.27 જાન્યુઆરીના રોજ આવેદન આપવામાં આવશે.


