જામનગર: સજાથી બચવા સાધુ બનેલો આરોપી ઝડપાયો, ચેક રિટર્ન કેસમાં ફરાર આરોપી પૂજારી બની ગયો હતો
Check bounce Case Jamnagar : જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામનો વતની અને 2018ના ચેક રિટર્ન કેસમાં રાજકોટ કોર્ટ દ્વારા સજાનો હુકમ થયા બાદ લાંબા સમયથી ફરાર દિગ્વિજયસિંહ અનુભા જાડેજા (ઉ.વ. 50) ને શેઠ વડાળા પોલીસે 7 મહિનાની સઘન શોધખોળ બાદ સાધુના વેશમાં વરવાળા ગામના એક મંદિરમાંથી ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દિગ્વિજયસિંહ જાડેજાએ અગાઉ HDFC બેંકમાંથી લોન લઈને બાઈક ખરીદ્યું હતું. જેના હપ્તા ચડી જતાં અનેક ચેકો રીટર્ન થયા હતા. આથી બેંકે રાજકોટની અદાલતમાં ચેક રીટર્ન અંગે ફરિયાદ નોંધાવી હતી. કોર્ટમાં એક પણ તારીખે હાજર ન રહેતા કોર્ટે તેની સામે પકડ વોરંટ કાઢ્યું હતું. લાંબા સમયથી ફરાર રહેલા આ આરોપીની તપાસ શેઠ વડાળા પોલીસ મથકને સોંપવામાં આવી હતી.
આ પણ વાંચો: સુરત પાલિકાના વડોદ ખાતેના આરોગ્ય કેન્દ્ર બીમાર, સફાઈની સારવારની જરૂર
શેઠ વડાળા પોલીસ સ્ટેશનના પીઆઇના માર્ગદર્શન હેઠળ બે પોલીસ હેડ કોન્સ્ટેબલે આ આરોપીને શોધવા માટે છેલ્લા સાત મહિનાથી સતત શોધખોળ હાથ ધરી હતી. તપાસનો દોર છેક ઉત્તર પ્રદેશ સુધી લંબાવવામાં આવ્યો હતો. આરોપીએ પોતાનો મોબાઈલ ઋષિકેશમાં જઈને અન્ય એક વ્યક્તિને વેચી માર્યો હતો, જેથી પોલીસ તે વ્યક્તિ સુધી પહોંચી અને તેની પાસેથી માહિતી મેળવી ફરી જામજોધપુર પરત ફરી.
ત્યારબાદ પોલીસે ગુપ્ત બાતમીના આધારે દિગ્વિજયસિંહનો નવો મોબાઈલ નંબર શોધી કાઢ્યો અને તેના ટાવર લોકેશનના આધારે જામજોધપુર નજીક વરવાળા ગામના ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરનું લોકેશન મળ્યું. ત્યાં જઈને તપાસ કરતા, આરોપી સાધુના વેશમાં સંત પૂજારી બનીને મંદિરમાં સેવા પૂજા કરતો મળી આવ્યો.
આ પણ વાંચો: જામનગરમાં મસાલાના વેપારીઓ પણ ડિજિટલ બન્યા: પાન-મસાલા માટે પણ 'એટીએમ' શરુ
પોલીસ પૂછપરછ દરમિયાન દિગ્વિજયસિંહે કબૂલ્યું કે તે પરણીત હતો, પરંતુ ચેક રીટર્ન કેસમાં ફરાર થયા બાદ તેની પત્નીએ પણ છૂટાછેડા આપી પુત્ર સાથે તેને છોડી દીધો હતો. ત્યારથી તે એકલવાયું જીવન જીવતો હતો અને પોતાની ઓળખ છુપાવવા સાધુનો વેશ ધારણ કરી લીધો હતો. આખરે પોલીસે તેને ઝડપી પાડી રાજકોટની ચીફ કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે.