સુરત પાલિકાના વડોદ ખાતેના આરોગ્ય કેન્દ્ર બીમાર, સફાઈની સારવારની જરૂર
Surat : સ્વચ્છતા સર્વેક્ષણ લીગમાં સુરત દેશના ટોપના શહેરમાં જાહેર થયાં બાદ શહેરની જુદી જુદી જગ્યાએ પાલિકાની બિલ્ડીંગ કે અન્ય જગ્યાએ ગંદકીની ફરિયાદ બહાર આવી રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણ બાદ સુરત શહેરના સિક્કાની બીજી બાજુ બહાર આવે છે તેના કારણે પાલિકાએ વધુ સફાઈ કરવા માટેની જરૂર ઉભી થઈ છે. ઉગતમાં એસ.એમ.સી. ક્વાર્ટર્સમાં ગંદકી બાદ હવે વડોદના આયુષ્માન આરોગ્ય મંદિર ( હેલ્થ સેન્ટર)ની આસપાસ ભારે ગંદકી જોવા મળી રહી છે. હાલ આ આરોગ્ય કેન્દ્રની હાલત એવી છે કે, બીમાર વ્યક્તિ સાથે આવેલો સારો વ્યક્તિ પણ બીમાર થઈ શકે છે. પાલિકાના આરોગ્ય કેન્દ્રની આસપાસ ગંદકી દૂર કરવા માટે માંગણી થઈ રહી છે.
સુરતના શ્રમજીવી એવા વડોદ વિસ્તારમાં ગરીબ લોકોને સારી અને વિના મુલ્યે સારવાર મળે તે માટે પાલિકા દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર ( હેલ્થ સેન્ટર) બનાવ્યું છે. હાલ આ હેલ્થ સેન્ટર બીમાર પડ્યું હોય તેવી હાલત છે. આ બીમાર હેલ્થ સેન્ટરને સાજા કરવા માટે સફાઈની તાતી જરૂરિયાત છે. હાલ વડોદ આરોગ્ય કેન્દ્રની આસપાસ પાણીનો ભારે ભરાવો છે જેના કારણે મચ્છરજન્ય રોગ ફેલાવવાની શક્યતા છે. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રની આસપાસ ભારે ગંદકી છે તેના કારણે સારવાર લેવા આવતા દર્દીઓ સાથે આવતા સારા વ્યક્તિ પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આ ઉપરાંત આ ગંદકીમાં કામ હેલ્થ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓના આરોગ્ય બગડે તેવી હાલત છે.
આરોગ્ય કેન્દ્રની આસપાસ ભારે ગંદકી છે તેને દુર કરવા માટે માંગણી થઈ રહી છે પરંતુ પાલિકા તંત્ર પાસે આ માંગણી પહોંચી ન હોવાથી સફાઈ થતી નથી અને આરોગ્ય કેન્દ્ર સ્ટાફ અને મુલાકાતીઓ રોગચાળામાં સપડાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.
રાત પડે ને થઈ રહી છે દારૂની મહેફિલ, ખાલી બાટલાનો ઢગલો
શહેરમાં શ્રમજીવી વિસ્તારમાં આવેલા વડોદના આરોગ્ય કેન્દ્રમાં ગંદકી સાથે સાથે અસામાજિક તત્વોએ પણ અડ્ડો જમાવ્યો હોવાની ફરિયાદ થઈ રહી છે. આ આરોગ્ય કેન્દ્રની પાછળ ગંદકી સાથે સાથે દારૂની બાટલી પણ મળી રહી છે એટલે રાત પડે ને અસમાજિક તત્વો કબ્જો જમાવતા હોવાની પણ ફરિયાદ ઉઠી રહી છે.
સુરત સહિત ગુજરાતમાં કાગળ પર દારૂબંધી છે છાસવારે સુરતમાં દારુ અને ડ્રગ્સના અનેક કિસ્સા બહાર આવી રહ્યા છે. અસમાજિક તત્વો આવી પ્રવૃત્તિ માટે પાલિકાની મિલકતોને પણ છોડતા નથી. આજે વિરોધ પક્ષ દ્વારા વડોદ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગે દારૂની બોટલ અને પોટલીઓ મળી આવી હતી. આ વિડીયો વાયરલ થતા સુરતમાં દારૂબંધી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે.