Gujarat

'સાહેબ પ્રસન્ન થાઓ'! જામનગરમાં મેયર-કમિશનરની પૂજા કરી અનોખો વિરોધ, રચનાબેન નંદાણિયાએ ખોલી તંત્રની પોલ

By GS TEAM
19 Dec 20252 mins read
TukuTouch Logo
જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક પૂર્વે આજે મનપાના પટાંગણમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. વોર્ડ નંબર 4ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ પોતાના વિસ્તારના પડતર પ્રશ્નોને લઈને તંત્રની ઊંઘ ઉડાડવા માટે એક અત્યંત નવતર અને આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

'સાહેબ પ્રસન્ન થાઓ'! જામનગરમાં મેયર-કમિશનરની પૂજા કરી અનોખો વિરોધ, રચનાબેન નંદાણિયાએ ખોલી તંત્રની પોલ

Jamnagar News: જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક પૂર્વે આજે મનપાના પટાંગણમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. વોર્ડ નંબર 4ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ પોતાના વિસ્તારના પડતર પ્રશ્નોને લઈને તંત્રની ઊંઘ ઉડાડવા માટે એક અત્યંત નવતર અને આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કર્યું હતું.


બનાવટી મેયર-કમિશનરની પૂજા કરી જગાડવાનો પ્રયાસ

રચનાબેન નંદાણિયાએ સ્થાનિક રહીશોને સાથે રાખીને મનપાના પટાંગણમાં ધરણા કર્યાં હતા. જોકે, આ વિરોધ સામાન્ય નહોતો. તેમણે સ્થળ પર જ 'બનાવટી' મેયર અને કમિશનર તૈયાર કર્યા હતા. સ્થાનિક નાગરિકોએ આ બનાવટી સત્તાધીશોને ફૂલહાર પહેરાવ્યા હતા અને જાણે ભગવાન પાસે વરદાન માંગતા હોય તેમ તેમની પૂજા-વિધિ કરીને નમન કર્યા હતા. ગ્રામજનોએ આજીજી કરી હતી કે, 'જેમ ભગવાન પ્રસન્ન થાય તેમ તમે પણ અમારા વિસ્તારના કામો માટે પ્રસન્ન થાઓ અને રોડ, રસ્તા, ગટર, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડો.'


આ પણ વાંચો: ગુજરાતમાં વિકાસના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા, નસવાડીમાં ભૂલકાં ઝૂંપડામાં ભણવા મજબૂર

વારંવારની રજૂઆત છતાં પરિણામ શૂન્ય

કોર્પોરેટરે મીડિયા સાથેની વાતચીતમાં તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 'વોર્ડ નંબર 4 માં રોડ-રસ્તા, ગટર અને બેઠા પુલની સ્થિતિ અત્યંત ખરાબ છે. જ્યારે પણ આ અંગે ફરિયાદ કે આવેદન પત્ર આપવા જઈએ છીએ ત્યારે સત્તાધીશો કે અધિકારીઓ આવેદન લેવાની પણ તસ્દી લેતા નથી.' 

કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, 'ચૂંટણી આવે ત્યારે લોકોના ખાતામાં 10-10 હજાર રૂપિયા નાખવા પડે છે, એના કરતા પહેલેથી જ પ્રજાના કામો કરી દીધા હોય તો આવા ગતકડાં કરવાની જરૂર જ ન પડે.'


પટાંગણમાં ભારે આકર્ષણનું કેન્દ્ર

મહાનગરપાલિકાના પ્રવેશદ્વાર પાસે જ જ્યારે નાગરિકો મેયર-કમિશનરના વેશમાં રહેલા વ્યક્તિઓની આરતી ઉતારી રહ્યા હતા, ત્યારે અન્ય કોર્પોરેટરો અને કર્મચારીઓમાં પણ આ દ્રશ્ય જોઈને કુતૂહલ સર્જાયું હતું. આ અનોખા વિરોધ દ્વારા રચનાબેને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે હવે પ્રજા સત્તાધીશોને લોકશાહીના સેવક નહીં પણ 'પથ્થર દિલના ભગવાન' તરીકે જોઈ રહી છે જે જલ્દી પ્રસન્ન થતા નથી.