Gujarat

ગુજરાતમાં વિકાસના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા, નસવાડીમાં ભૂલકાં ઝૂંપડામાં ભણવા મજબૂર

By GS TEAM
19 Dec 20253 mins read
TukuTouch Logo
એક તરફ ગુજરાત સરકાર 'સ્માર્ટ ક્લાસ' અને 'હાઈટેક શિક્ષણ'ના બણગા ફૂંકી રહી છે, ત્યારે બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેમલગઢ ગામે વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે. અહીંના આલિયાઘોડા ફળીયામાં માસૂમ બાળકો એવા જર્જરિત અને કાચા મકાનમાં બેસવા મજબૂર છે જે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે. ચોંકાવનારી વાત એ છે કે, જે આંગણવાડીનું કામ 2011માં મંજૂર થયું હતું, તે 2025માં પણ હજુ સુધી પૂર્ણ થયું નથી!

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં વિકાસના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા, નસવાડીમાં ભૂલકાં ઝૂંપડામાં ભણવા મજબૂર

ChhotaUdepur News: એક તરફ ગુજરાત સરકાર 'સ્માર્ટ ક્લાસ' અને 'હાઈટેક શિક્ષણ'ના બણગા ફૂંકી રહી છે, ત્યારે બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેમલગઢ ગામે વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે. અહીંના આલિયાઘોડા ફળીયામાં માસૂમ બાળકો એવા જર્જરિત અને કાચા મકાનમાં બેસવા મજબૂર છે જે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે. ચોંકાવનારી વાત એ છે કે, જે આંગણવાડીનું કામ 2011માં મંજૂર થયું હતું, તે 2025માં પણ હજુ સુધી પૂર્ણ થયું નથી!


13 વર્ષનો વનવાસ: અધિકારી કબૂલે છે કે હજુ 20% કામ બાકી!

જેમલગઢ ગામની આ આંગણવાડીના દ્રશ્યો હૃદયદ્રાવક છે. વર્ષ 2011માં આંગણવાડી મંજૂર થઈ અને 2012માં તેનું બાંધકામ શરૂ કરાયું. આજે 13 વર્ષ વીતી ગયા હોવા છતાં, તંત્રના પાપે માત્ર 80% કામ જ પૂરું થયું છે. હજુ પણ કલરકામ, બારી-બારણાં જેવી પાયાની સુવિધાઓ બાકી છે. જ્યારે અધિકારીને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્વીકાર્યું કે, "કામગીરી હજુ ચાલુ છે." સવાલ એ થાય છે કે શું એક આંગણવાડી બનાવવામાં આખો યુગ નીકળી જશે?


આ પણ વાંચો: વિકાસના બહાને ગુજરાતમાં 2.36 લાખ વૃક્ષોનું નિકંદન, ખુદ સરકારે જ મંજૂરી આપ્યાનો ઘટસ્ફોટ

તંત્રની બેધારી નીતિ:

નેતાઓ માટે રોકેટ ગતિ, બાળકો માટે કાચબા ગતિ! અહીં સૌથી મોટો સવાલ તંત્રની કાર્યશૈલી પર ઉઠી રહ્યો છે. જ્યારે કોઈ નેતા કે મંત્રી આવવાના હોય ત્યારે તંત્ર તાત્કાલિક રોડ-રસ્તા સહિતની સુવિધાઓ ઉભી કરી દે છે, ખાડાઓ પુરી દેવાય છે અને લાખોના ખર્ચે કચેરીઓ ઝળહળી ઉઠે છે. પરંતુ દેશના ભવિષ્ય એવા બાળકોની એક નાની આંગણવાડી પૂર્ણ કરવામાં 13-13 વર્ષ લાગે તે બાબત તંત્રની સંવેદનહીનતા છતી કરે છે. શું આ માસૂમ બાળકોની સુરક્ષા કરતા નેતાઓનું સ્વાગત વધુ મહત્વનું છે?

મોતના છાયા હેઠળ શિક્ષણ: વાલીઓ ફફડાટમાં

આંગણવાડીમાં કુલ 17 ભૂલકાંઓ રજિસ્ટર છે. ગામમાં અન્ય કોઈ પાકું મકાન ઉપલબ્ધ ન હોવાથી આ બાળકોને એક કાચા અને જર્જરિત ઝૂપડામાં બેસાડવામાં આવે છે.

તિરાડોવાળી દીવાલો: દીવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે.

સડેલા લાકડા: છતના લાકડા સડી ગયા છે, જે ગમે ત્યારે ધસી શકે છે.

ઋતુઓની આફત: ચોમાસામાં છત પરથી પાણી ટપકે છે અને શિયાળા-ઉનાળામાં ખુલ્લામાં બાળકોની હાલત દયનીય બની જાય છે.

શું આદિવાસી વિસ્તારો ગુજરાતના નથી?

ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનો વેધક સવાલ છે કે, શહેરોમાં ચમકતી આંગણવાડીઓ બને છે, તો અંતરિયાળ આદિવાસી વિસ્તારો સાથે આટલો અન્યાય કેમ? 13 વર્ષ સુધી કામ લટકાવી રાખનારા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે પગલાં કેમ નથી લેવાતા?

વાલીઓનો આક્રોશ: 

ચોમાસામાં છત પરથી પાણી ટપકે છે અને ઉનાળામાં અસહ્ય ગરમીમાં બાળકો ટળવળે છે. વાલીઓનો એક જ સવાલ છે કે, "શું અંતરિયાળ આદિવાસી વિસ્તારોના બાળકો ગુજરાતના વિકાસનો હિસ્સો નથી? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?" વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે કે, "અમે દરરોજ અમારા બાળકોને અહીં મોકલતા ડર અનુભવીએ છીએ. શું તંત્ર કોઈ બાળકના જીવ ગયા પછી જ જાગશે?"

હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું તંત્ર જાગે છે કે પછી આ ભૂલકાંઓને હજુ બીજા કેટલાય વર્ષો આ ભયના ઓથાર નીચે જીવવું પડશે.