Jamnagar News: જામનગરમાં મેહુલનગર નજીક એમ્યુઝમેન્ટ પાર્ક સામેના ભાગમાં આવેલા મોબાઈલ કંપનીના ટાવરમાં અકસ્માતે આગ લાગી હતી. ઇલેક્ટ્રીક વાયરના પેનલમાં શોર્ટ સર્કિટ થવાથી વાયર સળગ્યા હતા. ત્યારબાદ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જેથી ભીડ ભાડવાળા વિસ્તારમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી.

પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાઈ
આ બનાવ અંગે ફાયર શાખાની ટીમને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને વિદ્યુત પુરવઠો બંધ કર્યા બાદ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. તે પહેલાં ટાવરની અંદરના ઇલેક્ટ્રીકના વાયર સળગી ગયા હતા.

વિગતે તપાસ શરૂ
ફાયર બ્રિગેડે સંપૂર્ણપણે કાબૂ મેળવ્યા બાદ પ્રાથમિક અંદાજ મુજબ ટાવરના નીચલા ભાગથી લઈને ઉપરના સિગ્નલ સુધી આગના કારણે નુકસાન થયું છે. પ્રથમ દ્રષ્ટિએ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે પણ ટાવરના ટેકનિકલ પાસાને જોઈ આગ અંગે વિગતે તપાસ શરૂ કરવામાં આવી છે.


