Ahmedabad News: છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે, જેમાં શહેરની એક ઊંચી પાણીની ટાંકી પર જેસીબી મશીન ચાલતું જોવા મળે છે. વીડિયો જોઈને અનેક લોકોએ તો પોતાની આંખો પર વિશ્વાસ ન કર્યો, કોઈને લાગ્યું કે આ 'AI' (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) થી બનાવેલો વીડિયો છે તો કોઈએ તેને એડિટિંગની કરામત માની. પરંતુ, હકીકત તપાસતા માલૂમ પડ્યું છે કે આ કોઈ ગ્રાફિક્સ નથી, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લેવાયેલો એક ચોંકાવનારો પણ સ્માર્ટ નિર્ણય હતો.
લોકોએ ઝૂમ કરી કરીને જોયો વીડિયો
સારંગપુર વિસ્તારમાં આવેલી જર્જરિત પાણીની ટાંકી પર જ્યારે જેસીબી મશીન ફરતું દેખાયું ત્યારે નીચે ઉભેલા લોકો અચરજમાં મૂકાઈ ગયા હતા. હજારો લોકોએ આ દ્રશ્ય મોબાઈલમાં કેદ કર્યું. ઘણા નેટીઝન્સે સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સ કરી કે, "પહેલા તો લાગ્યું કે કોઈ ફિલ્મનું શૂટિંગ છે, પણ પછી ધ્યાનથી જોયું તો ખબર પડી કે આ તો અસલી મશીન છે!" લોકોએ વારંવાર વીડિયો ઝૂમ કરીને જોયો કે શું ખરેખર મશીન ઉપર ચઢાવાયું છે?

શું કામ JCB ટાંકીની ઉપર ચઢાવવું પડ્યું?
સારંગપુરની આ ટાંકીના બીમ એટલા મજબૂત હતા કે તે સામાન્ય બ્રેકર કે મજૂરો દ્વારા તૂટે તેમ નહોતા. રુટિન ટેકનોલોજી અહીં કામ ન આવતા AMCના એન્જિનિયરોએ એક મોટું જોખમ ઉઠાવ્યું.

એન્જિનિયરિંગ માર્વેલ: બે દિવસ સુધી સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ અને ડિઝાઈનર્સ સાથે ચર્ચા કર્યા બાદ બે મોટી ક્રેનની મદદથી જેસીબીને ટાંકીના ધાબા પર ઉતારવામાં આવ્યું.
મજૂરોની સુરક્ષા: ઊંચાઈ પર મજૂરો પાસે જોખમી કામ કરાવવા કરતા મશીનરીનો ઉપયોગ કરવો વધુ સુરક્ષિત અને આધુનિક પદ્ધતિ છે.
સમયની બચત: આ વ્યૂહાત્મક નિર્ણયને કારણે જે કામ પૂરું કરવામાં 20 દિવસ લાગવાના હતા, તે માત્ર 48 કલાકમાં જ સમેટી લેવામાં આવ્યું છે.
વિદેશી ટેકનિકનો દેશી અંદાજ
AMCના અધિકારીએ જણાવ્યું કે, "આ કોઈ અણઘડ કામગીરી નથી. વિદેશોમાં આવી ઊંચી ઈમારતો તોડવા માટે આ રીતે જ મશીનરીનો ઉપયોગ થાય છે. અમે બધું જ ગણતરીપૂર્વક ચેક કરીને મશીન ઉપર ચઢાવ્યું હતું. હવે હાર્ડ પોર્શનનું કામ પૂરું થઈ ગયું હોવાથી આગામી અઠવાડિયામાં મશીનને નીચે ઉતારી લેવાશે."
વીડિયો જોઈને ભલે લોકોને આંચકો લાગ્યો હોય, પણ AMCના આ ‘સ્માર્ટ જુગાડ’ અને એન્જિનિયરિંગ કૌશલ્યને કારણે જટિલ કામગીરી ખૂબ જ ઝડપથી અને સુરક્ષિત રીતે પૂરી થઈ શકી છે.


