Jamnagar AI News Network Controversy: જામનગર શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી રાજકીય અને સામાજિક અગ્રણીઓને નિશાન બનાવવાનું વિવાદિત પ્રકરણ વધુ ગરમાયું છે. પૂર્વ કૃષિ મંત્રી અને જાણીતા બિલ્ડર સામે અગાઉ પોસ્ટ કરનાર તત્ત્વોએ હવે 'જાગૃત નાગરિક'ના નામે નવા આઈડી પરથી જૂના આરોપો સાથેની પોસ્ટ અપલોડ કરતા ચકચાર મચી છે.
શું છે સમગ્ર મામલો?
તાજેતરમાં જામનગરના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં 'વિશાલ કણસાગરા' નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેમની છબી ખરડાય તેવા ગંભીર આરોપો અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જનરેટેડ વીડિયો મૂકવામાં આવ્યા હતા. આ જ એકાઉન્ટ પરથી જાણીતા લેન્ડ ડેવલોપર જમનભાઈ ફળદુ સામે પણ વિવાદિત પોસ્ટ કરવામાં આવી હતી, જે અંગે કાયદાકીય કાર્યવાહી ગતિમાં છે.
નવા નામ સાથે ફરી એ જ તરખાટ
સાયબર ક્રાઈમ પોલીસની સક્રિયતા બાદ 'વિશાલ કણસાગરા' નામનું એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દેવામાં આવ્યું હતું. પરંતુ હવે આ જ પ્રકારની કાર્યપદ્ધતિ સાથે 'જાગૃત નાગરિક' નામના નવા આઈડી પરથી ફરી એ જ વિવાદિત વીડિયો અને પોસ્ટ વહેતી કરવામાં આવી છે.
તપાસનો ધમધમાટ: વિદેશ સુધી લંબાયા તાર
આ 'જાગૃત નાગરિક' પાછળ કોણ છે? તે જાણવા પોલીસ મથામણ કરી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પાસેથી ડેટા માંગવામાં આવ્યો છે. આ પ્રકરણના તાર વિદેશ સાથે જોડાયેલા હોવાની આશંકાએ પોલીસ તપાસનો વ્યાપ આંતરરાષ્ટ્રીય સ્તરે લંબાવવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ 'એઆઇ ન્યૂઝ નેટવર્ક' ચલાવનાર અસલી ચહેરાઓ બેનકાબ થશે કે કેમ, તેના પર સૌની મીટ મંડાયેલી છે.


