ભારે વરસાદમાં પ્રજાને બેહાલીમાં છોડી જયપુરના મેયરની સુરતમાં મહેમાનગતિ, CMએ ઉતરવું પડ્યું મેદાનમાં
Jaipur Mayor Surat Visit: રાજસ્થાનના જયપુરમાં ભારે વરસાદ પડ્યો છે અને જયપુરના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. જયપુરના લોકો મીની પૂર જેવી સ્થિતિમાં છે અને લોકો પાલિકા તંત્રની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ ભારે વરસાદમાં પ્રજાને બેહાલીમાં છોડી જયપુરના મેયર સુરતની મહેમાનગતિ માણી રહ્યા છે. જેના કારણે સી. એમ.એ રસ્તા પર ઉતરવું પડ્યું છે. ગત ફેબ્રુઆરી મહિનામાં સુરતમાં અમરોલી ડ્રેનેજમાં બાળક ડૂબી ગયો હતો અને અમદાવાદમાં મેચ ચાલતી હતી. ત્યારે સુરતના મેયર મેચ મૂકી સુરત દોડી આવ્યા હતા. જયપુરના મેયર હજુ સુરતની મહેમાનગતિ માણવામાં વ્યસ્ત છે, જે રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: નર્મદા ડેમના 5 દરવાજા ખોલી 1.36 લાખ ક્યુસેક પાણી છોડાયું, નદી કિનારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ
સુરત સ્વચ્છ શહેર જાહેર થયા બાદ દેશભરના મેયર તથા અન્ય અધિકારીઓ સુરતની મુલાકાતે આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી રાજકોટના મેયર સોમ્યા ગુર્જર સુરતની મુલાકાતે છે. બુધવારે પાલિકાના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લેવા સાથે અન્ય સ્થળની મુલાકાત લીધી હતી. જોકે, હાલ રાજસ્થાનમાં ભારે વરસાદ છે અને વરસાદની આગાહી પણ છે. સોમવાર રાતથી રાજસ્થાનમાં ભારે વરસાદ શરુ થયો છે તેના કારણે જયપુરના રસ્તા પર બે ફૂટ જેટલા પાણીનો ભરાવો થઈ ગયો છે અને લોકો ત્રાહિમામ છે. આવી સ્થિતિમાં લોકો જયપુર પાલિકાની મદદની રાહ જોઈ રહ્યા છે.
પરંતુ જયપુરના પ્રથમ નાગરિક એવા મેયર સોમ્યા ગુર્જર છેલ્લા ત્રણ દિવસથી સુરતના મહેમાન બન્યા છે અને જયપુરમાં જળબંબાકાર છે ત્યારે પ્રજાને બેહાલીમાં છોડી લોચો-ખમણીની મજા માણી રહ્યા છે. જેના કારણે સી.એમ.એ રસ્તા પર ઉતરવું પડ્યું છે. પાણીગ્રસ્ત શહેરમાં સી.એમ. હોવા છતાં પણ જયપુરના મેયરને સુરતની મહેમાનગતિનો મોહ છૂટતો નથી.