Get The App

આઈટી રિટર્ન ફાઈલ કરવાની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવવા ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
આઈટી રિટર્ન ફાઈલ કરવાની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવવા ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ 1 - image


ITR Filing Date Extended: ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના આદેશમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)ને નાણાંકીય વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવાની નિયત તારીખ લંબાવીને 30મી નવેમ્બર, 2025 કરવા માટે તાત્કાલિક નિર્દેશો જારી કર્યા છે. જસ્ટિસ ભાર્ગવ ડી. કારીયા અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે, જ્યારે ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની તારીખ 31મી ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી, ત્યારે આવકવેરા કાયદાની જોગવાઈઓ મુજબ બંને વચ્ચે એક મહિનાનો ગાળો જાળવવા માટે ITR ફાઈલ કરવાની નિયત તારીખ પણ લંબાવવી જરૂરી છે.

સમયગાળો જાળવવો અનિવાર્ય

ઈન્કમટેક્સ બાર એસોસિયેશન દ્વારા દાખલ કરાયેલી રિટ અરજી પર સુનાવણી કરતાં હાઈકોર્ટે CBDT પાસે સ્પષ્ટતા માંગી હતી કે જ્યારે ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની તારીખ લંબાવવામાં આવી, તો ITR ફાઈલ કરવાની તારીખ કેમ લંબાવવામાં આવી નહીં. હાઈકોર્ટે સ્પષ્ટ કાયદાકીય જોગવાઈ ટાંકતા જણાવ્યું હતું કે, કલમ-44 એબી હેઠળ ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની તારીખ અને આવકનું રિટર્ન ફાઈલ કરવાની નિયત તારીખ વચ્ચે એક મહિનાનો સમયગાળો રાખવાનો વિધાનસભાનો હેતુ છે. આ સમયગાળો વ્યવસાય કે બિઝનેસમાંથી આવક ધરાવતા કરદાતાઓને રિટર્ન ફાઈલ કરવામાં સક્ષમ બનાવવા માટે જરૂરી છે.

કોર્ટે ટિપ્પણી કરી હતી કે, ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની નિર્દિષ્ટ તારીખ અને રિટર્ન ફાઈલ કરવાની નિયત તારીખ વચ્ચે હંમેશા એક મહિનાનો તફાવત રહ્યો છે અને નિયત તારીખ લંબાવવા પર કોઈ પ્રતિબંધ નથી.

આ પણ વાંચો: તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન: હજારો સ્ટોલ પર ફટાકડા વેચાવા માંડ્યા પછી હવે ફાયર NOCનો નિર્ણય

તાત્કાલિક પરિપત્ર જાહેર કરવા આદેશ

હાઈકોર્ટે CBDT સત્તાવાળાઓને નિર્દેશ આપ્યો હતો કે, જે કરદાતાઓએ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની જરૂર છે, તેમના માટે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની નિયત તારીખ તાત્કાલિક ધોરણે 30 નવેમ્બર 2025 સુધી લંબાવવામાં આવે અને આ અંગે તાત્કાલિક એક પરિપત્ર જાહેર કરવામાં આવે.

કોર્ટે CBDTને આ અંગેના હુકમના પાલન સંબંધી પ્રગતિ અહેવાલ પણ રજૂ કરવા તાકીદ કરી હતી. આ કેસની વધુ સુનાવણી 16મી ઓક્ટોબરે મુકરર કરવામાં આવી છે. આ નિર્ણયથી ટેક્સ ઓડિટ કરાવતા કરદાતાઓને મોટી રાહત મળી છે.

Tags :