Get The App

તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન: હજારો સ્ટોલ પર ફટાકડા વેચાવા માંડ્યા પછી હવે ફાયર NOCનો નિર્ણય

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન: હજારો સ્ટોલ પર ફટાકડા વેચાવા માંડ્યા પછી હવે ફાયર NOCનો નિર્ણય 1 - image


Fire NOC In Gujarat: દિવાળીના તહેવારને આડે હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે ગુજરાતમાં ફટાકડાના વેચાણ અને સંગ્રહ માટે જરૂરી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) કોણ આપશે તે અંગેની અનિર્ણાયકતાને કારણે મોટો વિવાદ ઊભો થયો છે. છેલ્લી ઘડીએ રાજ્યના શહેરી વિકાસ વિભાગે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં ફટાકડા વેચવા કે તેનો સંગ્રહ કરવાની એનઓસી આપવાની સત્તા ફરી એકવાર ફાયર વિભાગને સોંપી છે.

અગાઉ NOCની સત્તા પોલીસ કમિશનર આપી હતી

ગૃહ વિભાગે નવમી સપ્ટેમ્બર 2025ના રોજ 500 ચોરસ મીટર કરતા ઓછું માપ ધરાવતી દુકાન કે એકમોને ફટાકડા સંબંધિત લાયસન્સ આપવા સહિત ફાયર NOCની સત્તા જે તે પોલીસ કમિશનર દ્વારા કરાવવાનો પરિપત્ર કર્યો હતો. આ નિર્ણય બાદ રાજ્યના ડીજીપી દ્વારા એવી ટીપ્પણી કરાઈ હતી કે પોલીસ પાસે આ પ્રકારની ટેક્નિકલ બાબતો માટે પૂરતા માણસો કે કુશળતા નથી, તેથી સત્તા ફરી ફાયર વિભાગને સોંપવી જોઈએ.

આ વિવાદના પગલે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે નવો પરિપત્ર બહાર પાડીને 500 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા એકમો માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને 500 ચોરસ મીટરથી ઓછું ક્ષેત્રફળ ધરાવતા એકમ માટે ફાયર સેફ્ટી NOC સહિતની સત્તા ફરી એક વખત ફાયર વિભાગને સોંપી દીધી છે.

આ પણ વાંચો: દિવાળીમાં રાત્રિના બે કલાક જ ફોડી શકાશે ફટાકડા! ગુજરાત સરકારની ગાઇડલાઇન જાહેર

અમદાવાદમાં સ્થિતિ ગંભીર

સરકારી તંત્ર દ્વારા છેલ્લી ઘડી સુધી અનિર્ણાયક સ્થિતિ જાળવી રાખવામાં આવી હોવા છતાં અમદાવાદમાં ઘણાં દિવસોથી ફટાકડાનું વેચાણ શરૂ થઈ ગયું છે. અમદાવાદના રાયપુર દરવાજા ઉપરાંત દિલ્હી દરવાજા બહાર આવેલા ફટાકડાના વેચાણ માટેના સેન્ટર ઉપર પણ ધમધોકાર ખરીદી ચાલી રહી છે. એક અંદાજ મુજબ, શહેરના વિવિધ વિસ્તારમાં રોડની ફુટપાથ, ખુલ્લા મેદાનથી લઈ નાની-મોટી ત્રણ હજાર દુકાનમાં ફટાકડા વેચાય છે.

દિવાળીને માંડ એક સપ્તાહ બાકી છે, ત્યારે ફાયર વિભાગ આ તમામ હજારો જગ્યાએ ક્યારે તપાસ કરશે અને ક્યારે NOC આપવાની પ્રક્રિયા પૂર્ણ કરશે તે એક મોટો સવાલ છે. આનાથી સુરક્ષા અને કાયદાકીય પાલન અંગે ચિંતા ઊભી થઈ છે. સરકારી તંત્રની આ ઢીલી કામગીરીને કારણે તહેવાર સમયે સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થવાનો ભય રહેલો છે.

Tags :