દસ્તાવેજો રજિસ્ટર થઈને આવતા ત્રણને બદલે 20 દિવસ લાગે છે

મહેસૂલ મંત્રીના ઝડપથી કામ કરતા તંત્રની કુશળતા જુઓ
નિયમ મુજબ મિલકત વેચનાર -ખરીદનારના સહી સિક્કા કર્યા પછી 3 દિવસમાં દસ્તાવેજ રજિસ્ટર કરી આપી દેવો જરૂરી
અમદાવાદ : વિદેશથી મંગાવેલા પાવર ઓફ એટર્ની હેઠળ મિલકતની ખરીદી કે વેચાણના દસ્તાવેજ રજિસ્ટર કરીને ત્રણ જ દિવસમાં આપી દેવાનો નિયમ કરવામાં આવ્યો હોવા છતાંય વિદેશના પાવર ઓફ એટર્ની પર ખરીદવામાં આવતી મિલકતના દસ્તાવેજો રજિસ્ટર કરીને આપવામાં 20-20 દિવસ કે તેનાથીય વધુ સમય લગાડી રહ્યા છે.
આ જ રીતે અમદાવાદમાં રહેતી કોઈ વ્યક્તિ નવી મિલકત ખરીદે તો તેના દસ્તાવેજો માટે પક્ષકારોના ફોટા ચોંટાડીને સહી અંગૂઠા કરાયા પછી રજિસ્ટ્રેશન કરીને આપતા પણ 20થી 25 દિવસ લગાડવામાં આવી રહ્યા છે.
પરિણામે બૅન્કમાંથી લોન લેનારાઓને ઘણીવાર એક મહિના જેટલા સમયનું વ્યાજ બિલ્ડરને ચેકથી નાણાં ચૂકવ્યા વિના પણ ભરવું પડી રહ્યું છે. નિયમ મુજબ દસ્તાવેજો રજિસ્ટર થઈને ત્રણ દિવસમાં મળી જાય તે માટે સરકારે જરૂર જણાય તો સ્કેનિંગ મશીનની અને સ્કેનિંગ મશીન ઓપરેટર્સની સંખ્યા વધારી દઈને પણ લોકોને ખોટા વ્યાજખર્ચના બોજમાં રાહત આપવી જોઈએ.
સબરજિસ્ટ્રારની કચેરીમાં ફોટા પાડીને દસ્તાવેજો સુપરત કરી દીધા બાદ ત્રણ દિવસ પૂરા થાય તે પૂર્વે જ દસ્તાવેજો બજાર કિંમત નક્કી કરવા માટે ડેપ્યુટી કલેક્ટરની કચેરીમાં મોકલી દેવાનો નિયમ હોવા છતાંય સાત સાત દિવસ સુધી દસ્તાવેજો મોકલવામાં આવતા નથી.
તેમાં થતાં વિલંબ માટેનું કારણ આપતા સબ રજિસ્ટ્રાર એવી દલીલ કરે છે કે આખો દિવસ કચેરીમાં દસ્તાવેજ રજિસ્ટ્રેશનનું કામ કર્યા પછી ત્યારબાદ વિદેશથી આવેલા પાવર ઓફ એટર્ની પર સ્ટેમ્પ કરી આપવાની કામગીર કરતાં હોવાથી વિલંબ થાય છે.
પાવર ઓફ એટર્ની રજૂ કરાયા બાદ તેઓ 5થી 7 દિવસમાં ટ્રેઝરીને ઓર્ડર કરે છે કે તેના પર સ્ટેમ્પ લગાડી આપો. આ હુકમ લઈને ટ્રેઝરીમાં જાય તે પછી ટ્રેઝરી ઓફિસર રૂા.300નું ચલણ આપે છે.
આ ચલણ સ્ટેટ બેન્કમાં જમા કરાવીને સ્ટેમ્પ લગાડવા માટે કલાકો લાગી જાય છે. આ સ્ટેમ્પ લગાવવા માટે અરજી કરનારી વ્યક્તિએ જ ટ્રેઝરી અને સબરજિસ્ટ્રાર કચેરીમાં હાજર થવું પડે છે. આમ પાવર ઓફ એટર્નીને આધારે મિલકતની ખરીદી કરનારાઓની હાલાકી વધી રહી છે.
હવે વિદેશથી આવેલા પાવર ઓફ એટર્ની પર રૂા. 300નો સ્ટેમ્પ લગાડતા પહેલા જે વિસ્તારમાં મિલકત આવેલી હોય સબરજિસ્ટ્રાર સમક્ષ અસલ પાવર ઓફ એટર્ની રજૂ કરવો પડે છે.તેની ઝેરોક્સ નકલ અને ભારતમાં તે મળ્યાનો પુરાવો એટલે ક ેજે કવરમાં તે આવ્યો હોય તે કવર પણ અરજી સાથેના ફોર્મ સાથે રજૂ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
તેની સાથે જ અરજી કરનારનીઓળખનો પુરાવો પણ માગવામાં આવે છે. જૂની વ્યવસ્થા હેઠળ સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરી ન હોય ત્યાં કલમ 18ની જોગવાઈ હેઠળ જિલ્લા કલેક્ટરને આ કામગીરી કરવાની સત્તા આપવામાં આવેલી હતી. હવે આ કામગીરી સબરજિસ્ટ્રાર ગ્રેડ-3 અધિકારીને સોંપી દેવામાં આવી છે.
સરકારનો આ નિર્ણય ખોટો છે. કારણ કે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની કલમ 18 વિધાનસભામાં કાર્યવાહી કરીને કાયદેસર પસાર કરાવીને કાયદામાં ઉમેરવામાં આવેલી છે. વિધાનસભાની પ્રક્રિયામાંથી પસાર થઈને કાયદામાં ઉમેરવામાં આવેલી કલમને એક પરિપત્ર કે નોટિફિકેશનના માધ્યમથી અસરહીન કરી શકાય જ નહિ.
24મી ડિસેમ્બર 2021ના પરિપત્રથી આ સત્તાની કરવામાં આવેલી ફેરબદલી ગેરકાયદે ગણાય. કલેક્ટરના હાથમાંથી સત્તા છીનવીને સબ રજિસ્ટ્રાર ગ્રેડ-3ને આ સત્તા સોંપવાનો નિર્ણય કાયદેસર ગણાય નહિ. નિયમ મુજબ વિદેશથી પાવર ઓફ એટર્ની ભારતમાં મળ્યાના 90 દિવસ સુધીમાં તેના પર રૂા. 300નો સ્ટેમ્પ લગાડવો પડે છે.
આ સ્ટેમ્પ લગાડવા માટે ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958ની કલમ 18માં કરવામાં આવેલી જોગવાઈ છે. ગાંધીનગરના સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરીમાં અગાઉ આ કામગીરી માત્ર એક જ કલાકમાં કરી આપવામાં આવતી હતી. પરંતુ 24મી ડિસેમ્બર 2021ના દિને એક પરિપત્ર કરીને મહેસૂલ વિભાગે 30મી ડિસેમ્બર 2021થી આ વ્યવસ્થાને બંધ કરી દીધી છે.
એલોટમેન્ટ લેટર પર સ્ટેમ્પ ડયૂટી સાથે આડેધડ વસૂલવામાં આવી રહેલો દંડ
બીજીતરફ 12મી મે 1982 પછી જે એલોટમેન્ટ લેટર ઇશ્યૂ કરવામાંઆવ્યા છે તેના પર સ્ટેમ્પ ડયૂટી ઉપરાંત લેટ ફી અને પેનલ્ટી પણ ેલવા માંડી છે. તેના પર 10થી 20 ટકાનો દંડ પણ વસૂલવામાં આવી રહ્યા છે. આ દંડની રકમ વસૂલવામાં નિશ્ચિતતા નથી.
અધિકારીને મનમાં આવે તેટેલો દંડ લગાડી રહ્યા છે. પ્રજા તેને કારણે વગર વાંકે દંડાય છે.પ્રજાને માથે ઠોકી બેસાડેલો નિર્ણય હોવાની કલમ 33 હેઠળ 10થી 20 ટકાનો દંડ ભરે છે. આ દંડની રકમ અધિકારી મનફાવે તે રીતે નક્કી કરી શકવો ન જોઈએ.
દંડની રકમ પણ ફિક્સ જ હોવી જોઈએ. ઇન્ડેક્સ ટુની નકલ લેવા માટે રૂા. 200નો ઇ-સ્ટેમ્પ ભરીને આપવાથી ઇન્ડક્સની નકલ મળી જાય છે તે જ રીતે વિદેશથી આવેલા પાવર ઓફ એટર્ની માટે ઇ-સ્ટેમ્પની સિસ્ટમમાં રૂા. 300 ભરીને તે ચલણ પાવર ઓફ એટર્ની ઉપર લગાડે તો ચાલેતેવી વ્યવસ્થા કરવી જોઈએ.




