વડોદરા શિક્ષણ સમિતિના ચોથા વર્ગના 570 કર્મચારીઓને કાયમી કરવાનો મુદ્દો વર્ષોથી અનિર્ણિત
Vadodara Education Committee : વડોદરા કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા 570 કર્મચારી કાયમી કરવા માંગણીનો ઉકેલ લાવવા આજે શિક્ષણ સમિતિમાં આવેદનપત્ર સુપ્રત કરીને તારીખ 4 સુધીમાં પ્રશ્ન હલ કરવા અલ્ટીમેટમ આપ્યું છે. જો ત્યાં સુધીમાં માગણી નહીં સંતોષાય તો તારીખ 5 થી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવા ચીમકી આપી છે.
સંઘના પ્રમુખ દ્વારા જણાવ્યા મુજબ 1992માં 570 કર્મચારીઓ હતા. જેઓને હજી સુધી કાયમી કરવામાં આવ્યા નથી. આટલા વર્ષો દરમિયાન કેટલાય નિવૃત્ત થઈ ચૂક્યા છે. ઘણાના અવસાન થયા છે. હાલ માત્ર 105 કામ કરે છે. જે બધા ચાર પાંચ વર્ષમાં નિવૃત્ત થઈ જશે. વર્ષોથી ચાલતી આ લડતમાં અત્યાર સુધીમાં 15 થી 20 વખત હડતાલ પાડી છે. 50થી વધુ વખત આવેદનપત્રો આપ્યા છે. આ વખતે ગમે તે થઈ જાય કાયમી કરવાની માગણીનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાલ પરથી ઉભા નહીં થઈએ તે નિર્ધાર વ્યક્ત કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે શિક્ષણ સમિતિ દ્વારા કોર્પોરેશન સાથે સંકલન રાખવામાં આવતું નથી. જેના કારણે આ મડાગાંઠ ઊભી થઈ છે.
શિક્ષણ સમિતિના અધ્યક્ષએ જણાવ્યું હતું કે અમે આ મુદ્દો ગંભીરતાથી લઈ રહ્યા છીએ. આ મુદ્દે એક સમિતિની રચના થઈ ચૂકી છે. જેની બેઠકો થાય છે. સો ટકા અમારા સમયમાં આ પ્રશ્નનો ઉકેલ આવી જશે. ચોથા વર્ગના કર્મચારીઓનું કામ કરવાનું જ છે. તમામ દસ્તાવેજો કોર્પોરેશનને આપી દીધા છે. જે કંઈ નિર્ણય હવે લેવાનો છે તે કોર્પોરેશને લેવાનો છે, કેમ કે આમાં નાણાકીય ભારણની પણ વાત છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી તે મુજબ સંઘ કાયમી રાહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નોકરીએ જે કર્મચારીઓ અવસાન પામ્યા છે તેને આપવા પાત્ર લાભો આપવા માંગ કરી રહ્યું છે. સંઘ 100 કરોડનું એરિયર્સ જતું કરવા તૈયાર છે.