વડોદરામાં એક મહિનો ટ્રાફિક મેગા ડ્રાઇવ, DGPનો આદેશ
Image Source: Freepik
- પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 100થી વધુ વાહન ચાલકોને દંડ ફટકાર્યો
વડોદરા, તા. 25 જુલાઈ 2023, મંગળવાર
અમદાવાદમાં કાર ચાકલ દ્વારા 10 લોકોને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાની રાજ્ય સરકાર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. હવે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ જિલ્લા પોલીસ વડાઓને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ ખાસ ડ્રાઇવ ચલાવવાનો આદેશ આપ્યો છે. હવે રાજ્યમાં ઓવર સ્પીડિંગથી વાહન ચલાવતા કે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જેના ભાગરૂપે વડોદરા પોલીસ દ્વારા પણ વાહન ચેકિંગની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ પોલીસ જવાન, હોમગાર્ડ જવાન અને કેટલાક લોકો મદદ માટે ત્યાં આવ્યા હતા. આ દરમિયાન તથ્ય પટેલ નામનો 19 વર્ષીય યુવક 142 કરતા વધુની સ્પીડે જગુઆર કાર લઈને આવે છે અને ત્યાં ઉભેલા લોકોને ટક્કર મારી દે છે. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ સરકાર પણ સફાળી જાગી છે. રાજ્યના ડીજીપીએ ખાસ આદેશ આપ્યા બાદ હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં એક મહિનો ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવશે. આ દરમિયાન લાયસન્સ, હેલમેટ કે ઓવર સ્પીડમાં જતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જેના ભાગરૂપે વડોદરા પોલીસ દ્વારા અકોટા બ્રિજ, સીટી વિસ્તાર, ગેંડા સર્કલ, સહિતના સ્થળોએ સવારથી જ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી છે. અને દરેક અવર જવર રસ્તા પર નાકાબંધી કરી સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા ટ્રાફિકની મેગા ડ્રાઈવ રાખવામાં આવી છે. જેમાં ટ્રાફિકના નિયમો વિરુદ્ધ વાહન હંકારતા ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી , મેમો ફટકારી દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આગામી એક મહિના સુધી આ કામગીરી રહેશે. વાહનોના કાંચ્ પર કાળી ફિલ્મ લગાવેલ ફોર વ્હિલ, નિયમ વિરુદ્ધ નંબર પ્લેટ, લાઇસન્સ વિના ગાડી હંકારતા ચાલકો સહિત આર ટી ઓ ના નિયમોનું ભંગ કરતા વાહન માટે તેના ચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે , પોલીસ દ્વારા સ્પીડ ગ્રંથિ પણ વાહનોની સ્પીડ ચેક કરી કાર્યવાહી થઈ રહી છે. ઉપરાંત કેટલાક વાહનો ડીટેન પણ કરાયા હતા. જેથી બેફામ હંકારતા અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.