ઉમરગામમાં મોટી દુર્ઘટના, લોખંડનો શેડ પડતાં 9 કર્મચારી દબાયા, એકનું મોત
Vapi News: વાપીના ઉમરગામ જીઆઇડીસીમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુ બનાવતી કંપનીમાં મંગળવારે (પહેલી જુલાઈ) સવારે અચાનક લોખંડનો શેડ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં નવ કર્મચારીઓ કાટમાળમાં દબાય ગયા હતા, જેમાં એકનું મૃત્યુ નિપજ્યું થયું હતું. જ્યારે ચારને સામાન્ય અને ત્રણ કર્મચારીને ગંભીર ઈજા પહોંચી હતી. શેડ પર પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગો મુકવાને કારણે ઘટના બનતા કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે.
ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી
મળતી માહિતી અનુસાર, ઉમરગામ જીઆઈડીસીના પ્લાસ્ટિકની ચીજવસ્તુ બનાવતી જીબી પેક પ્રા.લિ. નામક કંપની આવેલી છે. મંગળવારે સવારે કંપનીમાં ઊભો કરાયેલો લોખંડનો શેડ અચાનક તુટી પડતા નજીકમાં કામ કરતા નવ કર્મચારીઓ કાટમાળમાં દબાયા હતા. આ ઘટનાને પગલે ભારે દોડધામ મચી ગઇ હતી. મેનેજર, સહ કર્મચારી સહિત લોકો દોડી ગયા હતા.
ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને એક પછી એક નવ કર્મચારી મનમહેન્દ્ર દાસ, શુભમ કુસ્વાહ, અમરનાથ સરોજ, શુભ લાડ, સુરેન્દ્ર બેહેરિયા, સાજીદ ખાન, વિકાસ ચૌધરી અને ભાવિન જોશીને બહાર કાઢ્યા હતા. જો કે, ભાવિન જોશીને ગંભીર ઈજા થતા મોત નિપજ્યુ હતું. ચાર કર્મચારીને સામાન્ય ઈજા થઇ હતી, જ્યારે ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે ઉમરગામ પોલીસ મથકના પી.આઇ. ચૌધરી અને ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. લોખંડના શેડ પર પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગ મુકવાના કારણે વજન વધી જતા ચોમાસામાં પવન અને વરસાદને કારણે શેડ તુટી પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.