Get The App

ગાંધીનગરમાં તંત્રના પાપે 7 વર્ષના માસૂમ બાળકે જીવ ગુમાવ્યો, ગઈકાલે સાંજે પડી ગયો હતો ખાડામાં

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
ગાંધીનગરમાં તંત્રના પાપે 7 વર્ષના માસૂમ બાળકે જીવ ગુમાવ્યો, ગઈકાલે સાંજે પડી ગયો હતો ખાડામાં 1 - image


Gujarat News: ગુજરાતમાં ચોમાસાના થોડા જ સમયમાં તંત્રની બેદરકારીઓ સામે આવી છે. થોડા સમય પહેલાં અમદાવાદમાં એક આધેડનું તંત્રની બેદરકારીના કારણે ગટરમાં પડી જવાથી મોત નિપજ્યું હતું. જોકે, મંગળવારે (પહેલી જુલાઈ) ગાંધીનગરમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં સાત વર્ષના એક બાળકનું મનપા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં પડી જવાથી મોત નિપજ્યું છે. 

આ પણ વાંચોઃ અમદાવાદના નારોલમાં દારૂના નશામાં ધૂત ટેન્કરચાલકે સર્જ્યો અકસ્માત, એક વ્યક્તિનું મોત

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, ગાંધીનગરના સેક્ટર-1માં નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે નગર પાલિકા દ્વારા નાનકડું કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ તેની આસપાસ કોઈ બેરિકેડિંગ કે ફેન્સિંગ  લગાવવામાં નહતી આવી. આ દરમિયાન સોમવારે સાંજે (30 જૂન) કુલદીપ નામનો સાત વર્ષનો બાળક આ વિસ્તારમાંથી સાઇકલ ચલાવીને જઈ રહ્યો હતો. તે વખતે કુલદીપને આ કૃત્રિમ તળાવમાં પડી ગયો હતો. ગાંધીનગરમાં ભારે વરસાદના કારણે અહીં મોટી માત્રામાં પાણી ભરાયેલું હતું, જેના કારણે બાળક પાણીમાં ડૂબી ગયું અને ત્યાં જ તેનું મોત નિપજ્યું હતું. આખી રાત બાળકને શોધ્યા બાદ વહેલી સવારે સ્થાનિકો દ્વારા બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. 

તંત્ર પર ઊભા થયા સવાલ

બાળકના મૃત્યુથી ગ્રામજનો અને પરિવારનો લોકોમાં શોકની લાગણી છવાઈ છે. આ સાથે જ તંત્ર ઉપર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હજુ તો ચોમાસાની શરૂઆત છે ત્યાં તંત્રની બેદરકારીના કારણે પહેલાં અમદાવાદ અને હવે ગાંધીનગરમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. એવામાં હજુ ચોમાસામાં આ નિષ્ઠુર તંત્ર કેટલાનો ભોગ લેશે? 

આ પણ વાંચોઃ VIDEO: પાનમ ડેમમાં પાણીની આવક વધતાં નદીમાં પાણી છોડાયું, કાંઠાના 38 ગામમાં એલર્ટ

મેયરની પ્રતિક્રિયા આવી સામે

આ વિશે મેયર મીરા પટેલે જણાવ્યું કે, 'આ એક ગંભીર અકસ્માત છે અને કોઈપણ ઘટના મનપાના પાપે ન થયું હોય. આ જે તળાવનું કામ ચાલી રહ્યું છે, તેમાં આજુબાજુમાં કમ્પાઉન્ડ વૉલ કરેલી છે, ત્યાં સિક્યોરિટી ગાર્ડ પણ બેસાડવામાં આવેલો હતો. અમારૂ તંત્ર પૂરતુ દોડી રહ્યું છે. આમાં તંત્રની કોઈ બેદરકારી નથી.'

જોકે, સ્થાનિકોનું કહેવું છે કે, અહીં કોઈપણ બેરિકેડિંગ નથી. આ સિવાય મેયરના જણાવ્યા અનુસાર, કોઈ રોકટોક પણ નથી. તળાવ બન્યા પહેલાં અને પછી બાળકો અહીં રમતા જ હતા. જેને લઈને તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવાયા નહતા.

Tags :