નડિયાદમાં બાકી વેરા અંગે હોસ્પિટલ, હોસ્ટેલ સહિત 3 એકમમાં તપાસ
મનપાની ટીમ દ્વારા સતત બીજા દિવસે કાર્યવાહી
10 લાખ બાકી વેરા અંગે પ્રાઈમ ગર્લ્સ હોસ્ટેલ અને 4 લાખ મુદ્દે બી.એલ. ભટ્ટ હોસ્પિટલને તાકીદ
નડિયાદ મહાનગરપાલિકાની ટીમ ગઈકાલે પીપલગ ચોકડી પાસે વેરા વસુલાત માટે નીકળી હતી. ત્યારે આજે ગુરૂવારે કોલેજ રોડથી આગળ નહેરની પાસે સેલ્સ ઇન્ડિયાની બાજુમાં પ્રાઈમ ગર્લ્સ હોસ્ટેલમાં પહોંચી હતી. જ્યાં બાકી પડતા ૧૦ લાખના વેરા અંગે મિલકત માલિક સાથે ચર્ચા કર્યા બાદ આવતી કાલ સવાર સુધી વેરો ભરવા તાકીદ કરાઈ હતી. મિલકત માલિક દ્વારા નોટિસની અમલવારીની બાહેંધરી આપી છે. અગાઉ મનપાએ નોટિસો આપી હતી અને આ નોટિસની અવગણના કરી અને ટેક્સ હજુ સુધી ભરપાઈ ન કરતા અંતે મનપા ટીમ સ્થળ પર પહોંચી હતી. રૂપિયા ૪ લાખથી વધુ બાકી વેરા માટે બી. એલ. ભટ્ટની હોસ્પિટલે પણ મનપાની ટીમ ગઈ હતી. જ્યાં મિલકત માલિક સાથે વાત કરી રહી છે. જ્યાં જરૂરી તપાસ બાદ કાર્યવાહી કરાય તેવી સંભાવનાઓ છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે નડિયાદ મનપાએ એક ખુલ્લો પ્લોટ અને બે દુકાનો સીલ કરી હતી. ત્યારે આજે પણ કાર્યવાહી યથાવત રહેતા બાકી ટેક્સ ધરાવતા મિલકત માલિકોમાં ફફડાટ વ્યાપ્યો છે.