ગોઝારી દુર્ઘટના બદલે GIDC, એસો., પોલીસ, GPCB આ તમામ જવાબદાર
ખેડૂત સમાજનો સીધો આક્ષેપ
- વર્ષોથી આ ગેરકાયદે અને જોખમી પ્રવૃત્તિ ચાલે છે, બધાએ ભેગા મળીને આને ભ્રષ્ટાચારનું એક માધ્યમ બનાવી દીધું છે
સુરત
સચીન જીઆઇડીસીમાં આજે બનેલી દુર્ધટના માટે સચીન નોટીફાઇડ એરીયા, સચીન જીઆઇડીસી એસોસિએશન, જીપીસીબી, પોલીસ તમામ જવાબદારો હોવાના ખેડુત સમાજે આક્ષેપો કર્યા હતા. અને આ પ્રવૃતિ વર્ષોથી બેરોકટોક ચાલી રહી છે. પકડાયા પછી લીપાપોટી થાય છે. આથી આ સમ્રગ ઘટનાની હાઇકોર્ટના સીટીંગ જજ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરાઇ હતી.
સચીન જીઆઇડીસીમાં વર્ષોથી ટેન્કર દ્વારા કેમિકલ ઠાલવવાની ઘટનાઓ બની રહી છે. તેમ છતા તંત્ર કે જીપીસીબી, પોલીસે કોઇ બોધપાઠ લીધો નહીં હોવાનું આજે ખેડુત સમાજ દ્વારા જણાવ્યુ હતુ. પત્રકાર પરિષદમાં ખેડુત સમાજના પ્રમુખ જયેશ પટેલ ( પાલ ) દ્વારા આક્ષેપ કરાયા હતા કે જળ, વાયુ, જમીન આ ત્રણેય જગ્યાએ પ્રદુષણ અંતિમ ચરણમાં છે. વહીવટી તંત્ર, જીપીસીબી, પોલીસ ભેગા મળીને એક ભષ્ટ્રાચારનું માધ્યમ બનાવી દીધુ છે. આ ટેન્કર જે કંપનીમાંથી આવ્યુ છે. તેની જડમુળથી તપાસ કરી સંચાલકોની સંપતિ સહિતની તમામ મિલ્કતો ખાલસા કરવા સુધીની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સમ્રગ ઘટનામાં જીપીસીબીના રીજીયોનલ ઓફિસર, ચેરમેન, મેમ્બર સેક્રટેરી સામે સખતમાં સખત કાર્યવાહી થવી જોઇએ. અને આખી ઘટનાની હોઇકોર્ટના સીટીંગ જજ દ્વારા તપાસ થવી જોઇએ.
પર્યાવરણવિદ એમ.એસ.શેખે કહ્યું કે, અગાઉ સચીન જીઆઇડીસીના નોટીફાઇડ ઓફિસર તેમજ જીપીસીબીએ કેમેરા લગાડવાની અને દરેક ટેન્કરનું ચેકિગ કરવાની સુચના આપેલ હતી. રાત્રી દરમ્યાન ટેન્કરની અવર જવર રોકવા સુચના આપી હતી. તેમછતા ટેન્કર કેવી રીતે જીઆઇડીસીમાં આવ્યુ ? સીસીટીવી મોનીટરીંગ કેમ બંધ છે ? શુ એસોસિએશન ના હોદ્દેદારો આ ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડાવાયેલા છે ? આ સમ્રગ ઘટના માટે સચીન નોટીફાઇડ , સચીન જીઆઇડીસી એસોસિએશન, જીપીસીબી અને પોલીસ તમામ જવાબદારો હોવાના તેમણે આક્ષેપ કર્યા હતા.
ગેરકાયદે ટેન્કર પકડાય તો આરોપીઓને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય છે
સ્થાનિક નેતા પ્રકાશ કોન્ટ્રાકટર અને અન્ય ખેડુત
સમાજ દ્વારા આક્ષેપો કરાયા હતા કે અમુક રીક્ષાવાળા અને માથાભારે તત્વો પોલીસ સાથે
મળી ટેન્કરો અહી લાવે છે. તેની તપાસ હાથ ધરવામાં આવે.વધુમાં જીપીસીબી પોલીસ ફરિયાદ
કરે અને પોલીસ ગુનેગારોને પોલીસ સ્ટેશનમાં જ જામીન આપી દે છે. કોઇ તપાસ થતી નથી કે
કંપનીના મેનેજરોને પકડી પોલીસ માલિકોને છોડી મુકે છે.આ પ્રકારની પ્રવૃતિ બંધ થવી
જોઇએ. અને પર્યાવરણ સુરક્ષા ધારાની કલમ મુજબ તમામ ડીરેકટરો કે ભાગીદાર કે માલિકની
ધરપકડ થવી જોઇએ. વધુમાં પોલીસ સ્ટેશનમાંથી જામીન મળી જાય તેવી પ્રવૃતિ બંધ થવી
જોઇએ.