Stamp Amendment Act 2025: ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ એક્ટ 2025ની કલમ 39માં ફેરફાર કરવામાં આવ્યોછે, જેના પરિણામે 27મી એપ્રિલ 1982થી પહેલી સપ્ટેમ્બર 2001 વચ્ચે કો.ઓપરેટીવ સોસાયટીમાં ફ્લેટ ખરીદનારાઓ, અને 12મી એપ્રિલ 1994થી પહેલી સપ્ટેમ્બર 2001ના ગાળામાં નોન ટ્રેડિંગ એસોસિયેશને ફાળવેલી જમીન પર બાંધેલી મિલકત ખરીદનારાઓએ તેમની બાકી સ્ટેમ્પ ડ્યૂટી પર હવે ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યૂટીના ચાર ગણો દંડ ભરવો પડશે. પરિણામે રૂ. 50,000ની સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની થતી હશે તો તેવા કિસ્સાઓમાં બે લાખ સ્ટેમ્પ ડ્યૂટી જમા કરાવવાની ફરજ પડશે. અત્યાર સુધી તેના પર ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યૂટી ઉપરાંત માત્ર રૂ. 250નો દંડ ભરીને ડ્યૂટીની જવાબદારી ક્લિયર કરી શકાતી હતી. નવા સુધારેલા કાયદા મુજબ માસિક બે ટકાની પેનલ્ટી લેવામાં આવશે.
આ પણ વાંચો: હવેથી હાઉસિંગ સોસાયટીઓને જીએસટી લાગુ પડશે, ઓડિટર, કન્સલ્ટન્ટની ફીનો બોજ પણ વધશે
પહેલા માત્ર રૂ. 250 દંડ હતો, હવે ભરવાપાત્ર ડ્યૂટી ઉપરાંત 300 ટકાનો દંડ
1982થી 2001ના ગાળામાં મકાન બન્યા પછી પહેલીવાર તેનું વેચાણ કરવામાં આવે તો તેના પર કોઈ જ સ્ટેમ્પ ડ્યૂટી લેવામાં આવતી નહોતી. આ મકાનો માત્ર એલોટમેન્ટ લેટર પર જ આપવામાં આવતા હતા. 1982ની સાલમાં એલોટમેન્ટ લેટર પર ફ્લેટ કે મિલકત ખરીદનારાઓએ 2022 સુધી કોઈ જ સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની આવતી નહોતી. પરંતુ 2022ની સાલમાં સરકારે એકાએક પરિપત્ર કરીને 1982ની 27મી એપ્રિલથી પહેલી સપ્ટેમ્બર 2001 વચ્ચે એલોટમેન્ટ લેટર પર મિલકત ખરીદનારાઓ પાસેથી સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાનો નિર્ણય કરતો પરિપત્ર કરી દીધો હતો. તેથી જૂના ફ્લેટના સોદા થાય ત્યારે તેના પર આજે થતાં સોદાની રકમ પ્રમાણે આજના દરે લેવા પાત્ર સ્ટેમ્પ ડ્યૂટીની રકમ ભરવી પડશે.
300 ટકા પેનલ્ટી પણ ચૂકવવી પડશે
આ ઉપરાંત એલેટમેન્ટ લેટર પર લીધેલા ફ્લેટની તે વખની કિંમત પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી જમા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરિણામે 1982થી 2001ના ગાળામાં ફ્લેટ લેનારાઓને માથે મોટા ખર્ચનો બોજ તો આવી જ ગયો હતો. મકાન માલિકે ફ્લેટની કિંમત અને સાઈઝ પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી ભરવા ઉપરાંત હવે તેના પર 300 ટકાની પેનલ્ટી પણ ચૂકવવી પડશે. માસિક બે ટકાના દરે તે બાકી રકમની પેનલ્ટી લેવાનું પણ 2025માં સુધારેલા કાયદા મારફતે નક્કી કરવામાં આવ્યું છે.
નવા કાયદાથી સ્ટેમ્પ ડ્યૂટીનો બોજ વધ્યો
પરિણામે સામાન્ય જનતાને માથે મોટો બોજ આવી જશે. એલોટમેન્ટ લેટર પર ખરીદેલી મિલકત પર ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં ન આવે તો તે ફ્લેટનું વેચાણ થાય તો પણ નવી સ્ટેમ્પ ડ્યૂટી લઈને તેનું રજિસ્ટ્રેશન જ કરવામાં આવતું નથી. પરિણામે ઘણાં લોકોએ નવા કાયદા પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટીનો બોજ મન કે કમને વેંઢારવા માંડ્યો છે.


