Gujarat

ઉધના ખાડીમાં યુવાન 10 કલાક સુધી કાદવમાં કણસતી હાલતમાં પડી રહ્યો

By GS Team
14 Feb 20221 min read
This article was originally published on 14 Feb 2022
ઉધના ખાડીમાં યુવાન 10 કલાક સુધી કાદવમાં કણસતી હાલતમાં પડી રહ્યો

- સવારે બચાવો...બચાવોની બુમો પાડતા જાણ થઇ

- રવિવારે રાતે ભેદી રીતે ખાડીમાં પટકાયા બાદ કચરો, કાદવને લીધે બહાર નીકળી શક્યો નહીઃ ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યો

        સુરત :

ઉધના જીવન જ્યોત ખાડીમા કચરા અને પાણી વચ્ચે ફસાયેલા યુવાનને ફાયરના જવાનોએ સુરક્ષિત બહાર કાઢયો હતો.યુવાન  રાતભરથી આજે સવાર સુધી 10 કલાક ખાડીમાં કણસતી હાલતમાં પડયો હતો.

ઉધના જીવન જ્યોત બ્રીજ નીચે ખાડીમાં આજે સવારે કોઈ યુવાન કચરા તથા કાદવ અને પાણી વચ્ચે ફસાયેલો છે.એવો ફાયર બ્રિગેડને કોલ મળતા માનદરવાજા ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા. રીંગબોયો અને દોરડું લઇને ખાડીની અંદર પાણી, કાદવ, કચરામાં ફસાયેલા યુવાન પાસે પહોંચી સહીસલામત બહાર કાઢયો હતો.

યુવાને તેનું નામ સંતોષ નુરાની (ઉ.વ.30) હોવાનું  જણાવ્યુ હતુ. તેને 108માં નવી સિવિલ ખસેડાયો હતો. ફાયર વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું કે આ યુવાન રવિવારે રાતે રહસ્યમય સંજોગોમાં ખાડીમાં પડયો હતો અને ઘૂંટણ સુધીનો કચરો અને કાદવમાં ખૂંપી ગયો હતો. તે આખી રાત 10 કલાક સુધી કણસતી હાલતમાં પડી રહ્યો હતો. આજે સવારે તેણે બચાવો..બચાવોની બુમો પડતા પસાર થતા લોકો એકત્ર થઇ ગયા હતા.