સૌરાષ્ટ્રમાં 4 જિલ્લામાં19 દરોડા, પત્તા ટીંચતા 115 લોકો પકડાયા
- જાગરણે શ્રાવણિયા જુગારની ચરમસીમા !
- ખંભાળિયા, મોરબી, મૂળીમાં મકાનમાં ધમધમતા જુગાર પર ત્રાટકતી પોલીસ
રૂા.3.26લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ, તા. 30 જુલાઈ, 2020, ગુરૂવાર
સૌરાષ્ટ્રમાં ગઈ કાલે જાગરણ હોવાથી શ્રાવણિયો જુગાર એની ચરમસીમાએ પહોંચ્યો હોય એ રીતે ૪ જિલ્લામાં ૧૯ સ્થળે પોલીસે દરોડા પાડીને ૧૧૫ લોકોને પકડયા હતા, આ દરોડાઓમાં પોલીસે કુલ રૂ.૩.૨૬ લાખનો રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જામનગર શહેર અને જિલ્લામાં સાત જેટલા સ્થળોએ જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સાત મહિલાઓ સહિત ૪૦ની ધરપકડ કરી હતી.
જામજોધપુર તાલુકાના પાટણ ગામ માંથી કિરણબેન બધાભાઈ ડાભી સહિતનાને હાપા- જવાહરનગર વિસ્તારમાંથી કારીબેન હરજીભાઈ સાલાણી સહિતને પકડી પાડ્યા છે. નવાગામ ઘેડ વિસ્તારમાંથી અમિત હરજીભાઈ સોલંકી સહિત ચારને પોલીસે પકડી પાડ્યા છે. જ્યારે ગોકુલ નગર સોમનાથ સોસાયટીમાંથી રાજેશ જયસુખભાઇ ઝિંઝુવાડીયા સહિત છ શખ્સોને પોલીસે પકડી પાડયા છે. મોરકંડામાંથી ગોપાલ દિલીપભાઈ ડોડિયા સહિત સાતને પોલીસે પકડી પાડ્યા છે.
મોરબીના ઉમા ટાઉનશીપ ગેટ પાસે અરૂણોદયનગરમાં રાજેન્દ્રસિંહ જાડેજા જુગાર રમાડતો હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો પાડી તેના સહિત છને ઝડપી લીધા હતા. ભવાનીનગર પાસે યોગેશ સવસીભાઇ અગેચણીયા સહિત પાંચ, ટંકારાના દેવીપુજકવાસમાં હીરાભાઈ દામજીભાઈ સહિત બે,નવા ખારચિયા ગામે સુરેશ મનજીભાઈ લખતરીયા સહિત ૬, ઇન્દીરાનગરમ વિનુબેન દિનેશભાઈ વરાણીયા સહિત ચાર, માળીયાના ખાખરેચી ગામે મનોજભાઈ પ્રભુભાઈ બાપોદરિયા સહિત ૬, ટંકારાના જબલપુર ગામ મણિરાજ ડાયાલાલ કુંડારિયા સહિત ૬ને પકડાયા હતા.
ખંભાળિયાના વિજય ચોક વિસ્તારમાં હવેલી પાસે રહેતા કિશોર કલ્યાણજીભાઈ કાનાણી નામના વૃદ્ધ દ્વારા ચલાવતા જુગારના અખાડા પર ગત મોડી રાત્રે એલસીબીએ દરોડો પાડીને છ શખ્સોને ઝડપી લીધા હતા. ભાણવડના વેરાડ ગામના બસ સ્ટેન્ડ પાસે શિવા ગામના રવિરાજસિંહ ઘનુભા જાડેજાની વાડીના મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે દરોડો પાડીને એના સહિત ૭ને પકડયા હતા.કલ્યાણપુરના બતાડીયા ગામે ફોગા અરશીભાઈ આહિર સહિત સાત, કલ્યાણપુરમાં શૈલેષ ભીમભાઈ ગામી સહિત ચારને પકડાયા હતા. મૂળી તાલુકાના નવાણીયા ગામે ભાડે મકાન રાખી નરેન્દ્રસિહ ઉર્ફે નંદુભા પરમાર જુગાર રમાડતો હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડીને ૧૬ને પકડયા હતા.