રાજકોટઃ હોટેલમાં પ્રેમિકાની હત્યા કરીને એસિડ પીનારા પ્રેમીનું આખરે મોત

- જેમિશે ફોનમાં મેં તમારી દીકરીની હત્યા કરી નાખી છે અને હવે હું પણ આપઘાત કરી રહ્યો છું તેમ કહેલું
રાજકોટ, તા. 21 માર્ચ 2022, સોમવાર
ગત તા. 3 માર્ચના રોજ રાજકોટના કરણસિંહજી મેઈન રોડ પર આવેલી હોટલ નોવા બ્યુટીકમાં એક યુવતીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું અને તેની સાથે રહેલા યુવકે એસિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સારવાર દરમિયાન આરોપી પ્રેમી જેમિશનું પણ મોત થયું છે.
આ કેસમાં થયેલા ખુલાસા પ્રમાણે યુવકે જ પોતાની પ્રેમિકા એવી યુવતીની હત્યા કરી હતી અને પછી એસિડ ગટગટાવીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે આ કેસમાં યુવક સામે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
રાતના સમયે એક વ્યક્તિએ હોટેલ પહોંચીને પોતાનો ભાઈ જેમિશ આ હોટેલમાં રોકાયો છે અને તેણે ઝેરી દવા પી લીધી છે તેમ જણાવ્યું હતું. આ સાંભળીને હોટેલનો સ્ટાફ તેઓ જ્યાં રોકાયા હતા તે રૂમ તરફ દોડી ગયો હતો અને ડુપ્લીકેટ ચાવીની મદદથી દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતાં જ જેમિશની ગંભીર સ્થિતિ અને બાજુમાં એક યુવતીનો મૃતદેહ જોવા મળ્યા હતા. ત્યાર બાદ હોટેલના સંચાલકે આ મામલે પોલીસને જાણ કરી હતી અને જેમિશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જેમિશે ધ્રુવાના પિતાને ફોનમાં મેં તમારી દીકરીની હત્યા કરી નાખી છે અને હવે હું પણ આપઘાત કરી રહ્યો છું તેમ કહ્યું હતું. આ કારણે ધ્રુવાના પરિવારજનો પણ રાજકોટ દોડી આવ્યા હતા.
રાજકોટના ઝોન-2 DCP મનોહરસિંહ જાડેજાના કહેવા પ્રમાણે જેમિશ અને ધ્રુવા છેલ્લા 2 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. 3 માર્ચના રોજ તેઓ બંને સાથે જ હોટેલમાં ગયા હતા. સવારે 10:30 વાગતા સુધીમાં જેમિશે લોકરની પટ્ટી વડે ગળેટૂંપો આપીને ધ્રુવાની હત્યા કરી નાખી હતી અને કલાકો સુધી ત્યાં જ બેસી રહ્યો હતો. બાદમાં તેણે બહારથી એસિડની બોટલ અને પાણી મંગાવ્યા હતા અને રાત્રિના સમયે એસિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસના મતે પ્રાથમિક તપાસમાં ધ્રુવાની હત્યા પૂર્વ આયોજિત હોવાનું જણાઈ રહ્યું છે કારણ કે, જેમિશ પાસેથી પ્લાસ્ટીકની લોકર પટ્ટી અને બ્લેડ મળી આવ્યા હતા જે કારણ વગર કોઈ સાથે ન રાખે.
આ તરફ પોલીસને આપેલા પ્રાથમિક નિવેદનમાં જેમિશે બંનેએ એકબીજાને સામસામે ગળાટૂંપો આપ્યો હોવાની કબૂલાત કરી હતી.

કચ્છના માધાપર ખાતે રહેતા 21 વર્ષીય જેમીશ ધનરાજ દેવાયતકા અને કાલાવાડની 19 વર્ષીય ધ્રુવા હિરેનભાઈ જોશી ગુરૂવારે સવારના સમયે હોટલમાં આવ્યા હતા. ત્યાર બાદ મોડી રાત્રિએ રહસ્યમય સંજોગોમાં યુવતીનું મોત થયું હતું અને સાથે રહેલા યુવકે એસિડ પીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો જેથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે એફએસએલ ટીમની મદદથી યુવતીના મૃત્યુનું કારણ જાણવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા અને હત્યાની આશંકાએ તપાસ શરૂ કરી હતી.
યુવકના ગળાના ભાગે ફાંસો ખાધો હોવાના પણ નિશાન મળ્યા હતા જેથી તેણે પહેલા ગળાફાંસો ખાવા પ્રયત્ન કર્યા બાદ એસિડ પી લીધું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું હતું.




