Gujarat

પોશીનામાં 8 ગ્રા.પં.ની ચૂંટણી પ્રક્રિયામાં 45 બેલેટ બોક્સ ઉપયોગમાં લેવાશે

By GS Team
10 Dec 20212 mins read
This article was originally published on 10 Dec 2021
પોશીનામાં 8 ગ્રા.પં.ની ચૂંટણી પ્રક્રિયામાં 45 બેલેટ બોક્સ ઉપયોગમાં લેવાશે

પોશીના,તા. 9

પોશીના તાલુકાની ૮ ગ્રામ પંચાયતની ચૂંટણી ૧૯ ડિસેમ્બરે ૩૭ મતદાન મથક ઉપર યોજાનારી છે. જે માટેની ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જે બાદ હવે તાલુકાની આઠ ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા માટે બેલેટ બોક્સની મરામત અને નિરીક્ષણ કામગીરી હાથ ધરવામાં આવી છે. ૧૯ ડિસેમ્બરે તાલુકામાં ૩૭ મતદાન મથકો પર સુરક્ષા માટે ૧૭૦ પોલીસ કર્મીઓ ફરજ બજાવનાર છે.

તાલુકાની આઠ ગ્રામ પંચાયત અને ૯૨ વોર્ડ માટે ૧૯ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાનારી છે. જેમાં અતિ સંવેદનશીલ-૧૧, સંવેદનશીલ-૧૬ અને ૧૦ સામાન્ય એમ કુલ ૩૭ મતદાન મથક પર ચૂંટણી યોજાશે. ચૂંટણી માટેની ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં સરપંચ પદના ૪૬ અને વોર્ડના સભ્ય માટે ૩૦૬ ઉમેદવારો મેદાનમાં છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે વહીવટી તંત્ર દ્વારા તાડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ગુરુવારે બેલેટ બોક્સ (મત પેટી)ની મરામત અને નિરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં બેલેટ બોક્સને ગ્રિસિંગ અને ઓઇલિંગ કરી મરામત કરી ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે તથા મામલતદાર દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવશે.

તાલુકાની આઠ ગ્રામ પંચાયતની ૩૭ બુથ પર યોજાનારી ચૂંટણીમાં ૪૫ જેટલાં બેલેટ બોક્સ ફાળવવામાં આવ્યા છે. ૧૯ ડિસેમ્બરે તાલુકામાં ૩૭ મતદાન મથકો પર સુરક્ષા માટે ૧૭૦ પોલીસ કર્મચારીઓ ફરજ બજાવનાર છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે ચાર (૪) ચૂંટણી અધિકારી અને ચાર (૪) મદદનીશ ચૂંટણી અધિકારી એમ કુલ આઠ અધિકારી સહિત ૨૧૮ કર્મચારીઓને ચૂંટણીલક્ષી કામગીરી માટે નિયુક્તિ કરવામાં આવી છે.

આઠ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૩૦૬ ઉમેદવારો મેદાનમાં

સરપંચ પદના ૪૬ અને વોર્ડના સભ્ય માટે ૩૦૬ ઉમેદવારો મેદાનમાં છે. જેના ૩૨૫૨૮ મતદારો નિર્ણાયક બનશે. ત્યારે હવે ગ્રામ પંચાયતની ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં મતદારોને રિઝવવા ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોર લગાવી ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દેવાયો છે. ગામની શેરીએ શેરીએ ચૂંટણીની ચર્ચાએ જોર પકડયું છે. કોણ હારશે અને કોણ જીતશે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઉમેદવારોએ ખાટલા બેઠકો અને ઓટલા પરિષદો શરૂ કરી દીધી છે.