સુરતમાં સમાવાયેલા ગામો, બે ન.પા.માં કોરોનાને લગતી કામગીરી જિ.પંચાયત કરશે
બંને તંત્ર વચ્ચે ખો-ખોની રમત બાદ મ્યુનિ. કમિશ્નરે ડીડીઓને જાણ કરીઃ જે ખર્ચ થશે તે મ્યુનિ. તંત્ર ભોગવશે
સુરત, તા.16 જુલાઇ, 2020, ગુરૃવાર
સુરત જિલ્લા ના 27 ગામો અને બે નગરપાલિકાનો પાલિકામાં સમાવેશ થયા બાદ કોરોનાની મહામારીમાં સૌથી મોટો પ્રશ્ન કોણ કામગીરી કરે તેનો ઉઠતા પાલિકા કમિશ્નરે આ કામગીરી સુરત જિલ્લા પંચાયતને સોંપી દીધી હોવાથી હવે ગામો પાલિકામાં ગયા હોવા છતા પંચાયત કામગીરી કરશે.
કોરોનાની મહામારી વચ્ચે સરકારે સુરત જિલ્લાના 27 ગામો અને બે નગરપાલિકાનો પાલિકામાં સમાવેશ કર્યો હતો. આ સમાવેશ કર્યા બાદ આ ગામો અને નગરપાલિકામાં રૃટીન કામગીરી તો ઝીરો જ થઇ ગઇ છે. સાથે સાથે આ ગામોમાં કોરોનાના કેસો આવે તો કોણ સેનેટાઇઝર કે કોરોનાને લગતી કોઇ પણ કામગીરી હોઇ તો કોણ કરે તેનો પ્રશ્ન ઉપસ્થિત થતો હતો. પાલિકાના અધિકારીઓ કહેતા હતા કે અમોએ સંપૂર્ણ ચાર્જ લીધો નથી. તો સુરત જિલ્લા પંચાયતના અધિકારીઓ કહેતા હતા કે આ ગામોમાં હવે પાલિકા જ કામગીરી કરશે.
આમ પાલિકા અને જિલ્લા પંચાયત વચ્ચે ખો ખોની ચાલતી રમતને લઇને પાલિકા કમિશ્નરે સુરત જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં પત્ર લખીને જાણ કરી છે કે જે ૨૭ ગામો અને બે નગરપાલિકા નો સુરત મહાનગર પાલિકામાં સમાવેશ કરાયો છે. પરંતુ ઉકત વિસ્તારના ચાર્જની આપ-લે થયેલ નથી. આથી હાલની પરિસ્થિતિ ધ્યાને લેતા નવા સમાવિષ્ય વિસ્તારોમાં કોરોનાની કામગીરી અંગે જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવશે. આ કામગીરીનો જે પણ ખર્ચ થશે તે ખર્ચે સુરત મહાનગર પાલિકા તરફથી ચૂકવવામાં આવશે.
બે નગરપાલિકામાં કોરોનાને લગતી કોઇ કામગીરી નહી થતા 1 લાખ લોકો ફફડે છે
સુરતમાં સમાવાયેલી બે નગરપાલિકાની કુલ વસ્તી 1 લાખ જેટલી છે.આ વસ્તીની સામે અત્યાર સુધીમાં કોરોનાના 25 કેસો નોંધાઇ ચૂકયા છે. અને હજુ પણ કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે લોકોને કોરોનાથી બચાવવા માટે પંચાયત તરફથી જે કામગીરી થવી જોઇએ તે થતી નહીં હોવાનું નગરપાલિકાના નગરજનો જણાવી રહ્યા છે.પાલિકા કમિશ્નરે આ સ્પષ્ટ જણાવી દીધુ હોવા છતા પંચાયત તરફથી બે નગરપાલિકામાં સાફ-સફાઇ કે કોરોનાને લગતી કામગીરી માટે કોઇ ફરકી રહ્યુ નથી.જેના કારણે 1 લાખ લોકોમાં ફફડાટ ફેલાઇ રહયો છે.