For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદમાં રિક્ષા ચાલકની દાદાગીરીનો વીડિયો વાયરલ, મુસાફરને માર મારીને બળજબરીથી પૈસા પડાવ્યા

પોલીસે રિક્ષા ડ્રાઈવરની તેના ઘરે જઈને અટકાયત કરી અને રિક્ષા ડિટેઈન કરી

રિક્ષા ચાલકનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવા માટે પણ આરટીઓ અધિકારીને સૂચના આપી

Updated: Jun 1st, 2023

અમદાવાદમાં રિક્ષા ચાલકની દાદાગીરીનો વીડિયો વાયરલ, મુસાફરને માર મારીને બળજબરીથી પૈસા પડાવ્યા

અમદાવાદઃ શહેરમાં રિક્ષામાં બેઠેલા મુસાફરોનો કિમતી સામાન તો સુરક્ષિત નથી પણ મુસાફરો પણ સુરક્ષિત નહીં હોવાની ઘટના સામે આવી છે. શહેરમાં એક રિક્ષા ચાલક મુસાફરને અધવચ્ચે ઉતારી દઈને તેની પાસેથી પૈસા પડાવતો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરની ટ્રાફિક પોલીસે આ રિક્ષા ચાલકની ધરપકડ કરીને તેની રિક્ષા ડીટેઈન કરી છે અને ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે. 

સોશિયલ મિડીયામાં એક વીડિયો વાયરલ થયો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગઇ કાલે સોશિયલ મિડીયામાં એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો જોતા એક રીક્ષાનો ડ્રાઇવર કાલુપુર રેલ્વે સ્ટેશનથી પેસેંજર લઈ પેસેંજરને રસ્તામાં ઉતારી બળજબરીથી પૈસા પડાવતો હોવાનુ તથા પેસેન્જરને માર મારતો હોવાનુ જણાયું હતું. આ વીડિયો પોલીસના હાથે લાગતાં રીક્ષા ડ્રાઇવર તેમજ રીક્ષાની ડીસીપી ટ્રાફિક પૂર્વ સ્કોડના માણસો દ્વારા ખાનગી રાહે તપાસ કરાવતા રીક્ષા ડ્રાઇવર મોહનલાલની ચાલી રાજપુર ગોમતીપુર નાનો હોવાનુ માલુમ પડ્યું હતું. 

Article Content Image

રિક્ષા ચાલકની અટકાયત કરવાની કાર્યવાહી
પોલીસે આ રીક્ષા ચાલકની તેના ઘરે જઈ તપાસ કરતા તે રીક્ષા સાથે હાજર મળી આવતા તેનુ નામ ઠામ પુછતા તેણે પોતાનુ નામ અકબર મુમતાજ હુસેન ખલીફા હોવાનુ જણાવેલ જેથી તેની રીક્ષા ડીટેઇન કરવામાં આવી હતી. તેમજ સદરી રીક્ષા ચાલકનુ ડ્રાઇવીંગ લાઇસન્સ તેમજ પરમીટ રદ કરવા આર.ટી.ઓ અધિકારીને રીપોર્ટ કરવા સુચના કરવામાં આવેલ છે. રીક્ષા ડ્રાઇવર વિરુધ્ધ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે અટકાયતી પગલા લેવડાવવામાં આવેલ છે. 

પોલીસે પેસેન્જરને શોધવા ચક્રો ગતિમાન કર્યાં
બીજી તરફ વીડિયોમાં દેખાતો રિક્ષામાં બેઠેલો પેસેન્જર પોલીસને મળ્યો નહોતો. જેથી તેને શોધવાની તપાસ ચાલુ કરવામાં આવી છે. પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયો અંગે તાત્કાલિક કાર્યવાહી કરીને દાખલો બેસાડ્યો છે. અમદાવાદમાં બહારથી આવેલા મુસાફરો સાથે દાદાગીરી કરતાં રિક્ષા ચાલકોને સબક શિખવવા પોલીસ હવે સક્રિય થઈ ગઈ હોવાનું આ કાર્યવાહી પરથી લાગી રહ્યું છે. 


Gujarat