અમદાવાદમાં મનપા પાસે માત્ર 14 જ શબવાહિની
અમદાવાદ, તા. 17 જુલાઈ 2020 શુક્રવાર
શહેરમાં રોજેરોજ 70થી 80 મોત કોરોના સિવાયનાં વૃદ્ધાવસ્થા, બીમારી, અકસ્માત જેવાં કારણોથી થાય છે. બીજી તરફ છેલ્લા ચાર મહિનાથી કોરોનાનો કપરો કાળ શરૂ થયો છે. કોરોનારૂપી રાક્ષસ તમામ લોકોને તોબા પોકારાવી રહ્યો છે.
શહેરમાં કોરોનાના કુલ 22,436 કેસ નોંધાયા હોઇ તેનાથી 1487 દર્દી મૃત્યુ પામ્યા છે. તેમ છતાં જે ઘરે મૃત્યુએ ટકોરા વગાડ્યા હોય તે ઘરના લોકોને મૃતકને સ્મશાન કે કબ્રસ્તાન સુધી પહોંચતા કરવા માટે શબવાહિની મેળવવા ફાંફે ચઢવું પડે છે, કેમ કે મ્યુનિસિપલ સત્તાવાળાઓ પાસે આંગળીના વેઢે ગણાય એટલી ફકત 14 શબવાહિની છે, જેમાં રોજની બે-ચાર તો ટેકનિકલ ખામી કે અન્ય કારણસર બંધ હાલતમાં હોય છે.
મેગા સિટી અમદાવાદ કહો કે સ્માર્ટ સિટી અમદાવાદ ગણો, પરંતુ શહેરના સત્તાધીશો પાસે પોતાના નાગરિકોને અંતિમધામ પહોંચાડવા માટે કુલ 14 શબવાહિની પૈકી બે મોટી અને 12 નાની છે, જે પૈકી એક મોટી ગાડી રિપેરિંગમાં છે જ્યારે બીજી ગાડી જનાજા અને કોફિન લઇ જવાના ઉપયોગમાં લેવાય છે, જ્યારે નાની ગાડી પૈકી બે-ત્રણ રૂટિનમાં બ્રેકડાઉન હોય છે.
બીજી ચાર-પાંચને સરકારી હોસ્પિટલના આરએમઓની સૂચનાથી કોરોનાના મૃતક માટે મોકલવી પડે છે એટલે શહેરમાં અન્ય કારણોથી મૃત્યુ પામનારા માટે માંડ પાંચ શબવાહિની છે.
અમદાવાદમાં રોજનાં 70થી 80 મૃત્યુ થતાં હોઇ શબવાહિની માટે ફોન કર્યા બાદ પણ લાંબી પ્રતીક્ષા કરવી પડે છે, જોકે ખાનગી શબવાહિનીના રૂ.600થી રૂ.1500નો ચાર્જ હોઇ પ્રતિ કલાકના રૂ.50નો ચાર્જ ધરાવતી મ્યુનિ. શબવાહિનીનો સામાન્ય લોકો આગ્રહ રાખે છે, તેમ છતાં મ્યુનિ. શબવાહિનીની અછત હોઇ નાછૂટકે ખાનગી શબવાહિની બોલાવવી પડે છે.