અમદાવાદઃ (Ahmedabad)શહેરમાં ચોમાસાની વિદાય લગભગ થઈ ગઈ છે. (AMC)વરસાદ બંધ થયા બાદ મચ્છર અને પાણીજન્ય રોગચાળાએ શહેરને ભરડામાં લીધું હોય તેવું લાગી રહ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ડેન્ગ્યૂના સૌથી વધુ કેસ નોંધાયા છે.(dengue case) એલજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લાંભાના યુવકનું ડેન્ગ્યૂને કારણે મોત નિપજ્યું છે. બેવડી ઋતુને કારણે વાઈરલ ફીવરના કેસો પણ વધી રહ્યાં છે. પૂર્વ વિસ્તારમાં રામોલ-હાથીજણ અને વટવા વોર્ડમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે.
8 દિવસમાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 110 જેટલા કેસો
AMCના આરોગ્ય વિભાગના અધિકારી ડો. ભાવિન સોલંકીએ મીડિયાને જણાવ્યું હતું કે, શહેરમાં વરસાદ બંધ થયા બાદ મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. ડેન્ગ્યૂના કારણે એક મોત નોંધાયું છે. ઓક્ટોબર મહિનામાં 8 દિવસમાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 110 જેટલા કેસો નોંધાયા છે અને મેલેરિયાના 12 કેસો નોંધાયા છે. પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટીના 90 કેસો, ટાઇફોઇડના 104 અને કમળાના 23 કેસો છે. જ્યારે કોલેરાના 05 કેસો નોંધાયા છે. કોલેરાના કેસોમાં અચાનક જ વધારો થયો છે.
તમામ સેન્ટરો પર દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી
તેમણે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં પણ વાયરલ ફીવરના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એક અર્બન હેલ્થ સેન્ટર પર રોજના અંદાજે 15થી 20 એટલે કે તમામ UHC અને CHCમાં કુલ રોજના 1200 જેટલા કેસો નોંધાઈ રહ્યાં છે. તમામ સેન્ટરો પર દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ટ્રિગર ડ્રાઈવ અને અવેરનેસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે. શહેરની શૈક્ષણિક સંસ્થાઓ, બાંધકામ સાઇટો, કોમર્શિયલ એકમો અને રહેણાંક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી જ્યાં પણ મચ્છરના બ્રિડિંગ મળી આવે છે ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.


