Nowcast: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લામાં સાંજે 7 વાગ્યા સુધી રેડ ઍલર્ટ, હવામાન વિભાગની આગાહી
Rain Nowcast : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં જૂનાગઢના મેંદરડા, કેશોદ, વંથલી સહિતના વિસ્તારોમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તેવામાં હવામાન વિભાગે ત્રણ કલાકનું Nowcast જાહેર કર્યું છે. જેમાં કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. ચાલો જાણીએ ક્યાં કેવો રહેશે વરસાદી માહોલ.
15 જિલ્લામાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગના Nowcast મુજબ, આજે બુધવારે(20 ઑગસ્ટ) બપોરે 4 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે સાંજે 7 વાગ્યા સુધીમાં 15 જિલ્લામાં રેડ ઍલર્ટ અને અન્ય 18 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સારબકાંઠા, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ છે.
જ્યારે સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર, અરવલ્લી, બોટાદ, ભાવનગર, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાંચો: જૂનાગઢના 3 તાલુકામાં આભ ફાટ્યું, મેંદરડામાં 13 ઇંચ, વંથલી-કેશોદમાં 10-10 ઇંચ જેટલો વરસાદ
જૂનાગઢના 3 તાલુકામાં આભ ફાટ્યું
જૂનાગઢના મેંદરડા, વંથલી, કેશોદમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં મેંદરડામાં 12.8 ઇંચ, કેશોદમાં 10.71 ઇંચ અને વંથલીમાં 10.16 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી-પાણીના દૃશ્યો સર્જાતાં જનજીવન ખોરવાયું હતું.
અમરેલી જિલ્લાના જાફરાબાદ અને પીપાવાવ બંદરનો દરિયો તોફાની બન્યો છે. જેમાં જાફરાબાદની બે અને ગીર સોમનાથની એક બોટ દરિયામાં ડૂબી જતાં 7 જેટલા માછીમારો ગુમ થયા છે. આ ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં 18 માછીમારોને સુરક્ષિત બચાવી લેવાયા છે. જોકે, હજુ પણ 60થી 70 જેટલી બોટ દરિયામાં હોવાથી માછીમારોની સલામતી અંગે ચિંતા વધી છે.