Get The App

અમદાવાદમાં ખનન માફિયાઓનો આતંક! પોલીસે રોક્યા તો રસ્તા પર જ ખાલી કરી સાબરમતીની રેતી

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ખનન માફિયાઓનો આતંક! પોલીસે રોક્યા તો રસ્તા પર જ ખાલી કરી સાબરમતીની રેતી 1 - image


Illegal Sand Mining in Ahmedabad: અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના પટમાંથી ગેરકાયદે રેતી ચોરી કરતા ભૂમાફિયાઓએ હવે કાયદાનો ડર છોડી દીધો હોય તેવા દ્રશ્યો મકરબા વિસ્તારમાં જોવા મળ્યા છે. ખનીજ વિભાગના અધિકારીઓએ રેતી ભરેલા બે ડમ્પરને રોકતા, ડમ્પર માલિકે અધિકારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ભય ફેલાવવાના ઈરાદે જાહેર રસ્તા પર જ રેતી ખાલી કરી નાસી છૂટ્યા હતા.

શું હતી સમગ્ર ઘટના?

અસારવા સ્થિત ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીને બાતમી મળી હતી કે રાત્રિના સમયે જુહાપુરાથી મકરબા રોડ પર ગેરકાયદે રેતી ભરેલા ડમ્પરોની અવરજવર થાય છે. આ બાતમીના આધારે ખનીજ વિભાગના અધિકારી કિરણ પરમાર અને તેમના સ્ટાફે મકરબા રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન 30-30 ટન રેતી ભરેલા, નંબર પ્લેટ વિનાના બે શંકાસ્પદ ડમ્પર ઝડપાયા હતા. ડ્રાઈવરોની પૂછપરછમાં કબૂલાત થઈ હતી કે આ રેતી સાબરમતી નદીના પટમાંથી ગેરકાયદે ભરીને કન્સ્ટ્રક્શન સાઈટ પર લઈ જવામાં આવતી હતી.

આ પણ વાંચો: જૂની વસ્તુ ઓનલાઈન વેચતા પહેલા ચેતજો! અમદાવાદમાં ઠગાઈ કરતો માસ્ટરમાઈન્ડ ઝડપાયો

અધિકારીઓ પર હુમલાનો પ્રયાસ અને ધમકી

જ્યારે અધિકારીઓએ ડમ્પરને સરખેજ પોલીસ સ્ટેશન લઈ જવાનો આદેશ આપ્યો, ત્યારે મામલો બિચક્યો હતો. ડ્રાઈવરે જાણ કરતા પીપળજમાં રહેતો ડમ્પર માલિક સુરેશ ભરવાડ લાકડી લઈને સ્થળ પર પહોંચ્યો હતો. તેણે અધિકારીઓને ધમકાવતા કહ્યું કે, 'મારી ગાડીઓ રોકી તો વારો પડી જશે.' કાર્યવાહીમાં વિઘ્ન નાખવા અને પુરાવાનો નાશ કરવાના ઈરાદે માફિયાઓએ બંને ડમ્પરની રેતી રસ્તા પર જ ખાલી કરી દીધી હતી.

વાતાવરણ તંગ બનતા અધિકારીઓએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. પોલીસ આવવાની જાણ થતા જ ડમ્પર માલિક અને ચાલકો વાહનો લઈને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. આ મામલે કિરણ પરમારે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સરકારી કામમાં રુકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.