Gujarat

કોટ વિસ્તારની શાસકો-તંત્ર દ્વારા અવગણના, અમદાવાદના હાર્દસમાન પ્રેમાભાઈ જયશંકર સુંદરી હોલનો વિકાસ રુંધાયો

By GS Team
15 Feb 20222 mins read
This article was originally published on 15 Feb 2022
કોટ વિસ્તારની શાસકો-તંત્ર દ્વારા અવગણના, અમદાવાદના હાર્દસમાન પ્રેમાભાઈ જયશંકર સુંદરી હોલનો વિકાસ રુંધાયો

અમદાવાદ,મંગળવાર,મંગળવાર,15 ફેબ્રુ,2022

જે કોટ વિસ્તારના કારણે અમદાવાદ શહેરને વૈશ્વિક હેરીટેજ શહેરનો યૂનેસ્કો દ્વારા દરજજો આપવામાં આવ્યો છે.એવા કોટ વિસ્તારના હાર્દસમાન પ્રેમાભાઈ અને જયશંકર સુંદરી હોલનો વિકાસ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર અને સત્તાધીશોની દૂરંદેશી દ્રષ્ટીના અભાવે છેલ્લા કેટલાક વર્ષોથી રુંધાઈ રહ્યો છે.આમ છતાં આ બંને હોલ ફરી ધમધમતા થાય અને અમદાવાદ શહેરમાં કલા અને સંસ્કૃતિનો વારસો જળવાય એમાં તંત્ર કે સત્તાધીશોને કોઈ રસ હોવાનું દેખાતુ નથી.જયશંકર સુંદરી હોલ માટે સ્થાનિક ધારાસભ્ય દ્વારા ત્રણ વર્ષથી છેક રાજયના મુખ્યમંત્રી સુધીનાને રજૂઆત કરવામાં આવી હોવા છતાં હોલ અંગે કોઈ નિર્ણય લેવામાં આવતો નથી.

અમદાવાદના ભદ્ર વિસ્તારમાં પ્રેમાભાઈ હોલ આવેલો છે.ભદ્ર પ્લાઝાના ડેવલપમેન્ટ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રેમાભાઈ હોલનું રીસ્ટોરેશન કરી કલ્ચરલ સેન્ટર અને પાર્કીંગ બનાવવા સહિતની પ્રપોઝલ તૈયાર કરી દસ કરોડનીરકમ સાથે આ હોલ ખરીદવા તૈયારી દર્શાવી હતી.પરંતુ જે-તે સમયે ટ્રસ્ટીઓ તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે રકમ આપવાની તૈયારી દર્શાવવામાં આવી હતી એ રકમ ઓછી હોવાનું  કહેવામાં આવ્યુ હતું.વર્ષ-૨૦૦૯માં એ સમયના મ્યુનિસિપલ કમિશનર આઈ.પી.ગૌતમ દ્વારા ૩૨૦૦ સ્કવેર મીટરનો પ્લોટ એરીયા ધરાવતા આ હોલને મ્યુનિ.તરફથી ખરીદવા તૈયારી દર્શાવવામાં આવી હતી.આ પછી આવેલા મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ કે સત્તાધીશોએ પ્રેમાભાઈ હોલ જેવી મોકાની જગ્યાનો શહેરીજનો માટે ઉપયોગ કરી શકાય એ દિશામાં કોઈ નકકર કાર્યવાહી કરી નથી.

રાયખડ વિસ્તારમાં જયશંકર સુંદરી હોલ આવેલો છે.આ હોલ પણ છેલ્લા કેટલાક વર્ષથી ઉપયોગમાં લેવામાં આવતો નથી.આ હોલનો શહેરીજનો માટે ઉપયોગ થઈ શકે એ માટે ખાડિયા-જમાલપુર વિધાનસભાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા એ સમયના રાજયના મુખ્યમંત્રી વિજય રુપાણી સુધીના લાગતાવળગતા તમામને રજૂઆત કરવામાં આવી છે.શહેરીજનોની કમનસીબી અને તંત્ર અને સત્તાધીશોની નિર્ણય શકિતના અભાવના કારણે શહેરના ગૌરવ સમાન એવા આ બંને હોલનો વિકાસ થઈ શકતો નથી.