બેંગકોકથી અમદાવાદ આવેલી યુવતીની બેગમાંથી 4 કરોડની કિંમતના ગાંજાના 10 પેકેટ મળી આવ્યા, CIDએ કરી ધરપકડ
Ahmedabad News : સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એર એશિયાની ફ્લાઇટમાં બેંગકોકથી આવેલી યુવતીના સામાનમાંથી ચાર કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ.4 કરોડથી વધુ હોવાનું જણાય છે. અમદાવાદ એરપોર્ટ પર બે બેગ ગુમ થઈ હોવાને લઈને પેસેન્જર યુવતીએ ફરિયાદ કરી હતી. જોકે, બાદમાં યુવતીની બેગ મળી આવી હતી. જેમાં કસ્ટમ વિભાગે શંકાના આધારે યુવતીની બેગ તપાસતા કપડાની અંદર છૂપાયેલા હાઈબ્રીડ ગાંજાના 10 પેકેટ મળી આવ્યા હતા.
બેંગકોકથી આવેલી યુવતીની બેગમાં ગાંજાના 10 પેકેટ મળ્યા
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઝડપાયેલી યુવતીની ઓળખ નિતેશ્વરી રતનલાલ ગિલ તરીકે થાય છે. જે પંજાબના જલંધરની રહેવાસી છે. યુવતી 13 ઓગસ્ટના રોજ અમદાવાદ આવી હતી. પછી તેને બે બેગ ગુમ થયાની જાણ કરી અને ખોટી રીતે હેન્ડલ કરાયેલા સામાનનો દાવો નોંધાવીને એરપોર્ટથી બહાર નીકળી ગઈ હતી.
જ્યારે થોડા દિવસો પછી યુવતીની એક બેગ આવી અને નિયમિત તપાસ પછી તેને ક્લિયર કરવામાં આવી હતી. જ્યારે યુવતીની બીજી ટ્રોલી બેગ અમદાવાદ પહોંચી ત્યારે કસ્ટમ અધિકારીઓએ શંકાના આધારે બેગ ખોલતાં તેમાંથી ગાંજાના પેકેટ મળી આવ્યા હતા.
કસ્ટમ વિભાગે CID ક્રાઇમ બ્રાન્ચની મદદ લીધી
એડિશનલ કમિશનર નેતૃત્વ હેઠળ કસ્ટમ અધિકારીઓએ એર એશિયાના સ્ટાફ દ્વારા મુસાફરનો સામાન લેવા માટે સંપર્ક કર્યો હતો. જોકે, ગિલે રૂબરૂ હાજર થવાનો ઇનકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે તે જલંધરમાં છે, અને તેના બદલે તેણે જલંધરના સિમોન પીટરને તેના વતી બેગ લેવા માટે જણાવ્યું હતું. જોકે, તેણે ઇનકાર કરતાં તપાસકર્તાઓને શંકા ગઈ હતી અને તેમણે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને CID ક્રાઇમ બ્રાન્ચની મદદ લીધી હતી.
આ પછી પોલીસની ટીમે ગિલને કાલુપુર રેલવે સ્ટેશન પરથી શોધી કાઢી હતી અને અટકાયત કરીને એરપોર્ટ પર લાવવામાં આવી હતી. જ્યાં ગિલની હાજરીમાં બેગ ખોલવામાં આવી હતી. જેમાં મળી આવેલા ગાંજાના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: નવા નરોડામાં ગણેશ પંડાલમાં દીવાલ ધસી પડતા ત્રણ દબાયા, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
કેસ CID ક્રાઈમને સોંપાયો
ગિલની નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને વધુ તપાસ માટે CID ક્રાઈમના નાર્કોટિક્સ સેલને સોંપવામાં આવી હતી.