નવા નરોડામાં ગણેશ પંડાલમાં દીવાલ ધસી પડતા ત્રણ દબાયા, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
Ahmedabad News : અમદાવાદના નવા નરોડામાં ગણેશ પંડાલમાં દીવાલ ધસી પડી હોવાની ઘટના સામે આવી છે. દીવાલ ધસી પડવાની દુર્ઘટનામાં ત્રણ લોકો દબાયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી. ફાયર ટીમ દ્વારા ત્રીજા વ્યક્તિને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
નવા નરોડામાં ગણેશ પંડાલમાં દીવાલ ધસી પડતા ત્રણ દબાયા
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના નવા નરોડામાં આજે બુધવારે (27 ઓગસ્ટ) પ્રસાદ હોસ્પિટલ નજીક નિકોલ રોડ પર ગણપતિ મંડપ પાસે દીવાલ ધરાશાયી થતાં ત્રણ લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. ઘટનાને પગલે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ (AFES)ને જાણ કરવામાં આવી હતી. જેને લઈને ફાયર વિભાગની 2 ગાડીમાં 10 સભ્યોની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર કર્મચારીઓ પહોંચે ત્યાં સુધીમાં સ્થાનિક રહેવાસીઓએ બે ઈજાગ્રસ્તોને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ફાયર ટીમ દ્વારા ત્રીજા વ્યક્તિને બહાર કાઢ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના રાત્રે 9:50 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે મંડપની બાજુમાં આવેલી દીવાલનો એક ભાગ ધસી પડ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, 'ભોગ બનેલા લોકો ગણેશ ઉત્સવમાં હાજરી આપવા આવ્યા હતા અને દીવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે ફસાઈ ગયા હતા.'
આ પણ વાંચો: અમદાવાદ: ધોળકાના કોદારીયાપુરા ગામે પાણીમાં ફસાયેલા ત્રણ લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ
AFES ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમને રાત્રે 10 વાગ્યાની આસપાસ દીવાલ તૂટી પડવા અંગે ફોન આવ્યો હતો. અમારી ટીમ થોડીવારમાં જ પહોંચી ગઈ અને બચાવ કામગીરી હાથ ધરી. પરિસ્થિતિ ઝડપથી કાબુમાં લેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, દીવાલ તૂટી પડવાનું કારણ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.