Get The App

સુરતમાં વાસી ઉત્તરાયણે કાળજું કંપાવતી ઘટના, સોસાયટીમાં સાયકલ ચલાવતા માસૂમનું દોરીથી ગળું કપાતા કરુણ મોત

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
સુરતમાં વાસી ઉત્તરાયણે કાળજું કંપાવતી ઘટના, સોસાયટીમાં સાયકલ ચલાવતા માસૂમનું દોરીથી ગળું કપાતા કરુણ મોત 1 - image


Uttarayan Tragedy In Surat: સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં વાસી ઉત્તરાયણના દિવસે એક માસૂમ બાળકના મોતે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. સોસાયટીના કમ્પાઉન્ડમાં સાયકલ ચલાવી રહેલા આઠ વર્ષીય બાળકનું પતંગની લટકતી દોરીથી ગળું કપાતા મોત નીપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જોઈને કોઈપણ લોકોની આંખમાં આંસુ આવી જાય તેમ છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, જહાંગીરપુરાની આનંદ વિલા સોસાયટીમાં રહેતો અને ધોરણ-3માં અભ્યાસ કરતો 8 વર્ષીય રેહાન્સ બોરસે 15મી જાન્યુઆરીના રોજ બપોરના સમયે ઘરના આંગણે સાયકલ ચલાવી રહ્યો હતો. સાયકલ ચલાવતી વખતે આકાશમાંથી લટકતી એક કપાયેલી પતંગની દોરી અચાનક રેહાન્સના ગળામાં ફસાઈ ગઈ હતી. સાયકલની ગતિ હોવાથી દોરી ગળામાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી અને ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું. રેહાન્સ લોહીલુહાણ હાલતમાં સાયકલ પરથી નીચે પટકાયો હતો. ગંભીર હાલતમાં પરિવાર તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો હતો, પરંતુ લોહી વધુ વહી ગયું હોવાથી તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: ઉત્તરાયણમાં મેડિકલ ઈમરજન્સીના દર મિનિટે 4 કેસ, દોરી વાગતા 182 ઈજાગ્રસ્ત, '108' ના ફોન સતત રણક્યાં

પરિવારનો એકનો એક પુત્ર હતો રેહાન્સ

મૃતક રેહાન્સ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેના પિતા હજીરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વાસી ઉત્તરાયણના દિવસે જ ઘરના આંગણે લાડકવાયા પુત્રનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સોસાયટીના રહીશોમાં પણ આ ઘટનાને લઈને ઘેરો શોક અને આક્રોશ જોવા મળી રહ્યો છે. જહાંગીરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.