જૂનાગઢના નિવૃત્ત અધિકારીને હનીટ્રેપમાં ફસાવવાનો કેસ: બ્લેકમેલ કરીને રૂ. 40 લાખ માગનારા 3 આરોપી ઝડપાયા
Junagadh News: જૂનાગઢમાં એક નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) હનીટ્રેપનો ભોગ બન્યાની ગંભીર ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવેલી એક અજાણી યુવતીએ નિવૃત્ત અધિકારી સાથે આત્મીયતા કેળવી રાજકોટ અને ચોટીલાની હોટલોમાં અંગત પળો માણી હતી, જેનો વીડિયો બનાવીને બાદમાં 40 લાખ રૂપિયાની ખંડણી માટે બ્લેકમેલ કર્યો હતો. નિવૃત્ત અધિકારીની ફરિયાદના આધારે પોલીસે યુવતી સહિત તેના ત્રણ મળતિયાઓને ઝડપી પાડ્યા છે.
શું છે સમગ્ર મામલો?
જૂનાગઢના ચોબારી રોડ પર રહેતા નિવૃત્ત RFO પરસોત્તમ કનેરિયા એક વર્ષ પહેલાં સોશિયલ મીડિયા પર ઉમલા નામની યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ નિયમિત ચેટિંગ થતાં યુવતીએ એકલતાનું નાટક કરીને નિવૃત્ત અધિકારી સાથે મિત્રતા કેળવી હતી. પાંચ મહિના પૂર્વે બંને રાજકોટની એક હોટલમાં મળ્યા હતા અને અંગત પળો માણી હતી. 19મી સપ્ટેમ્બર 2025ના રોજ તેઓ ચોટીલાની હોટલમાં રોકાયા હતા, જ્યાં ઉમલાના આઈડી પર રૂમ બુક કરીને બે વખત શરીર સુખ માણ્યું હતું.
જૂન 2025માં ઉમલાએ નિવૃત્ત અધિકારીને પોતે પ્રેગ્નન્ટ હોવાનું જણાવી એબોર્શન કરાવવા માટે ઓનલાઈન અવારનવાર પૈસા મેળવ્યા હતા. ત્યારબાદ ફરીથી ગર્ભવતી હોવાનું કહીને પૈસા પડાવ્યા હતા.
હોટલના વીડિયોથી બ્લેકમેલ અને ધમકી
ચોટીલાની મુલાકાત બાદ 25મી સપ્ટેમ્બરના રોજ રસોત્તમ કનેરિયાને એક અજાણ્યા નંબર પરથી ઓડિયો કોલ આવ્યો હતો. કોલ કરનારે ચોટીલાની હોટલના અંગત પળોનો વીડિયો તેની પાસે હોવાનું જણાવી 40 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વીડિયોની પુષ્ટિ કરવા માટે પુરાવા રૂપે વીડિયો મોકલવામાં આવ્યો હતો. જ્યારે અધિકારીએ ઉમલાને પૂછ્યું, ત્યારે તેણે કબૂલ્યું કે તેણે પોતે ફોનમાં વીડિયો ઉતાર્યો હતો અને તેની બહેનપણીને આપ્યો હતો. બ્લેકમેલ કરનારાઓએ એવી ધમકી આપી હતી કે જો રૂપિયા નહીં મળે તો વીડિયો તમામ સંબંધીઓને વાઈરલ કરી દેશે. આ ઉપરાંત નિવૃત્ત ઓફિસર થઈને નાની છોકરીઓ સાથે મિત્રતા કેળવી શરીર સંબંધ બાંધી પ્રેગ્નન્ટ કરી રૂપિયા આપીને છોકરા પડાવતા હોવાની ખોટી ફરિયાદ કરીને બદનામ કરી દેવાની પણ ધમકી આપી હતી.
આ પણ વાંચો: અમદાવાદના રોડ પર 'ડાન્સ પાર્ટી': યુવતી સાથે બીભત્સ ચેનચાળા અને નોટોનો વરસાદ
પોલીસે 3 આરોપીઓને ઝડપ્યા
આ ધમકીઓ અને બ્લેકમેલથી કંટાળીને નિવૃત્ત વન અધિકારી પરસોત્તમ કનેરિયાએ યુવતી અને તેના મળતિયાઓ સામે જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને તત્કાળ કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં જૂનાગઢ પોલીસે રાજકોટની ઉર્મિલા, સબુસ્તા અને જીસાન નામના ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. હાલમાં પોલીસ આ આરોપીઓએ અન્ય કોઈ વ્યક્તિને હનીટ્રેપનો શિકાર બનાવ્યા છે કે કેમ, તે દિશામાં પણ વધુ તપાસ ચલાવી રહી છે.