પ્રેમલગ્ન કરનાર યુવતીને આપઘાત માટે મજબુર કરનાર પતિ-સસરાની ધરપકડ
ચાર મહિના અગાઉ જ લગ્ન થયા હતાઃ બેરોજગાર પતિ અને સાસરિયા દહેજ માટે ત્રાસ આપતા ફાંસો ખાધો હતો
સુરત તા. 26 જુલાઇ 2020 રવિવાર
પ્રેમલગ્ન કરનાર નાનપુરાની યુવતીને માત્ર ચાર મહિનામાં જ ગળે ફાંસો ખાઇ આપઘાત કરવા મજબુર કરનાર પતિ અને સસરાની લેવાના પ્રકરણમાં અઠવાલાઇન્સ પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
નાનપુરા નાવડી ઓવરાની સામે યજ્ઞ પુરૂષ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા ધીરજ કાળીદાસ બાબરીયાની પુત્રી ધારા (ઉ.વ. 21) એ ગત ફેબ્રુઆરી મહિનામાં પાર્થ યોગેશ વૈદ્ય (ઉ.વ. 22 રહે. 109, આર્શીવાદ એપાર્ટમેન્ટ, બાલાજી રોડ, નાની છીપવાડ) સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરિવારની મરજી વિરૂધ્ધ લગ્ન કરનાર ધારા અને તેની માતા મંજુલાબેન વચ્ચે બોલચાલ ન હતી. પરંતુ સમયાંતરે તેના પિતા સાથે ફોન પર વાતચીત કરતી ધારાએ તેના પિતાને કહ્યું હતું કે પાર્થ કંઇ કામધંધો કરતો નથી અને વારંવાર ઝઘડા કરે છે જેથી પુત્રીનું લગ્નજીવન સુખમય થાય તે હેતુથી પિતા આર્થિક મદદ કરતા હતા. દરમ્યાનમાં ધારાએ તેના માતા-પિતાને નાવડી ઓવારે મળવા બોલાવ્યા હતા. જયાં માતા-પિતાને જોઇ રડી પડનાર ધારાએ પાર્થ કંઇ નોકરી કરતો નથી અને ઝઘડા કરે છે તથા સાસુ-સસરા પણ પાર્થને મદદ કરે છે અને જાતિ વિષયક તથા પૈસા લઇ આવવા દબાણ કરે છે તેવી ફરિયાદ કરી હતી. પાર્થના રોજબરોજના ઝઘડાથી કંટાળી ધારા પરત ઘરે આવી ગઇ હતી. પુત્રીના લગ્નજીવનમાં ભંગાણ પડતા તણાવમાં આવી માતા મંજુલાએ પણ આપધાતનો પ્રયાસ કર્યો હતો. જેથી આઘાતમાં સરી પડેલી ધારાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. અઠવાલાઇન્સ પોલીસે ધારાને આપઘાતનું પગલું ભરવા મજબુર કરનાર પતિ પાર્થ અને સસરા યોગેશ શશીકાંત વૈદ્ય (ઉ.વ. 41) ની ધરપકડ કરી છે.