અમદાવાદમાં આવાસ યોજનામાં હાઉસિંગ સેલ એસ્ટેટ વિભાગનું ચેકિંગ, 21 મકાન સીલ કરાયા
Representative image |
Housing In Ahmedabad: રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન બનાવીને આપવામાં આવ્યા છે. પરંતુ તેના લાભાર્થીઓએ આ મકાનોને કોઈ બીજાને ભાડે આપીને પૈસા કમાઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ સેલ એસ્ટેટ વિભાગ દ્વારા આવા ગેરકાયદે રહેતા 174 લોકોને નોટિસ ફટકારી છે. જ્યારે 21 મકાનોને સીલ મારી દેવામાં આવ્યા છે.
શહેરના 3,940 મકાનોમાં એસ્ટેટ હાઉસિંગ સેલની ટીમ દ્વારા તપાસ
અમદાવાદ મનપા હાઉસિંગ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, 'EWS મકાનો અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને મકાન ફાળવવામાં આવ્યા છે. તેમાંના કેટલાક લોકો દ્વારા મકાન ગેરકાયદે રીતે લોકોને ભાડે અથવા તો વેચી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તપાસ કરવામાં આવી અને શહેરના અલગ અલગ આવાસ યોજનામાં આવેલા 3,940 મકાનોમાં એસ્ટેટ હાઉસિંગ સેલની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 174 મકાન માલિકોને નોટિસ આપવામાં આવી અને ખુલાસા મંગાવવામાં આવ્યા છે. આ તમામ નોટિસનો યોગ્ય ખુલાસો ન મળતા તેને સીલ કરવાની કામગીરી પણ કરવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં થયેલા ખુલાસા જાણો 10 જ પોઈન્ટમાં A to Z
ચેકિંગ વીશે મુકેશ પટેલે જણાવ્યું હતું કે, 'ચેકિંગ દરમિયાન કુલ 21 મકાનોને અત્યારે સીલ મારવામાં આવ્યા છે. જ્યારે ચેકિંગ કરવામાં આવે છે ત્યારે કેટલાક મકાન માલિકો ઘર બંધ કરીને જતા રહે છે. એટલે ખબર નથી પડતી કે કયા મકાનમાં કોણ રહે છે. જેને લઈને હવે એક સાથે જેટલી વિંગ હોય તેટલી ટીમ બનાવી અને એક સાથે આવાસ યોજનામાં ચેકિંગ કરવા માટેની પણ સૂચના અપાઈ છે.
આ ઝોનમાં નોટિસ ફટકારાઈ
આ કાર્યવાહી દરમિયાન અમદાવાદના ઉત્તર ઝોનમાં 98 લોકોને નોટિસ પાઠવવામાં આવી છે, તેમાંથી 4 મકાન સીલ કરવામાં આવ્યા છે. દક્ષિણ ઝોનમાં 550 નોટિસ અને ત્યાં પાંચ મકાનોને સીલ કર્યા છે. પશ્ચિમ ઝોનમાં 9 મકાનને નોટિસ અને 7 મકાનને સીલ કરાયા છે. દક્ષિણ ઝોનમાં 36 મકાનને નોટીસ અને 3 મકાનોની સીલ કરવામાં આવ્યા છે.