મ્યુનિ. સંચાલિત હોસ્પિટલો બે વર્ષથી ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટના સહારે
- કોરોના મહામારીમાં માઠી દશા
- સુપ્રિટેન્ડન્ટને નાની બાબતો માટે પણ ઉપરી અધિકારી પર આધારીત રહેવું પડતું હોવાથી કોઈ ઉમેદવારી કરતું નથી
અમદાવાદ, તા. 01 ઓગસ્ટ, 2020, શનિવાર
અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર માસથી પણ વધુના સમયમાં કોરોનાના 25 હજારથી વધુ કેસ નોંધાયા છે.આ તરફ મ્યુનિ.સંચાલિત મુખ્ય ત્રણ હોસ્પિટલો છેલ્લા બે વર્ષથી ઈન્ચાર્જ મેડીકલ સુપ્રિટેન્ડન્ટના સહારે ચલાવવામાં આવી રહી છે.
આ હોસ્પિટલોમાં સુપ્રિટેન્ડન્ટની જગ્યા ભરવા બે વખત જાહેરાત આપવા છતાં તંત્રને યોગ્ય ઉમેદવાર હજુ સુધી મળી શકયા નથી.આ પરિસ્થિતિમાં હોસ્પિટલોમાં વહીવટી કહી શકાય એવી જગ્યા પર ફરજ બજાવવા મેડીકલ તજજ્ઞા તૈયાર ન થતાં હોવાનું પણ જાણવા મળ્યું છે.
મળતી માહીતી પ્રમાણે, શહેરમાં મ્યુનિ.સંચાલિત મુખ્ય ત્રણ હોસ્પિટલો વી.એસ.,એલ.જી.તેમજ શારદાબહેન હોસ્પિટલ છે.આ ત્રણ હોસ્પિટલો પૈકી મણીનગર વિસ્તારમાં આવેલી એલ.જી.હોસ્પિટલમાં બે વર્ષથી મેડીકલ સુપ્રિટેન્ડન્ટની જગ્યા ખાલી છે. આ હોસ્પિટલમાં અગાઉ ફરજ બજાવતા સુપ્રિટેન્ડન્ટ બે વર્ષ અગાઉ એ.સી.બી.ના છટકામાં લાંચ લેતા ઝડપાયા બાદ હાલ હોસ્પિટલનો ચાર્જ ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડો.સંજય ત્રિપાઠી હસ્તક છે.
શારદાબહેન હોસ્પિટલમાં એક વર્ષ અગાઉ સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ડો.યોગેન્દ્ર મોદી વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા બાદ આ હોસ્પિટલનો ચાર્જ ડો.હેતલ વોરા હસ્તક છે.જયારે વી.એસ.હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ડો.સંદીપ મલ્હાનને એસ.વી.પી.હોસ્પિટલમાં જાન્યુઆરી-2019માં સુપ્રિટેન્ડન્ટ તરીકે મુકવામાં આવ્યા બાદ વી.એસ.હોસ્પિટલનો ચાર્જ ડો.મનિષ પટેલ હસ્તક છે.
સુત્રોમાંથી મળતી વિગત પ્રમાણે,મ્યુનિ.દ્વારા તંત્ર હસ્તકની હોસ્પિટલોમાં મેડીકલ સુપ્રિટેન્ડન્ટની જગ્યા ભરવા બે વખત જાહેરાત આપવામાં આવી હોવા છતાં હજુ સુધી આ પદને યોગ્ય ઉમેદવાર તંત્રને મળી શકયો નથી.હોસ્પિટલ વર્તુળોમાં એક બાબત એવી પણ ચર્ચાઈ રહી છે કે,મ્યુનિ.હસ્તકની હોસ્પિટલોમાં મેડીકલ સેવાઓ ઉપરાંત અનેક પ્રકારની વહીવટી જવાબદારીઓ રહેતી હોય છે.
ઉપરાંત હોસ્પિટલના વહીવટને લગતી નાની-નાની બાબતોમાં પણ અવારનવાર ડેપ્યુટી કમિશનર સુધી નિર્ણયો માટે આધારીત રહેવું પડતુ હોઈ મેડીકલ સેવાઓ સાથે સંકળાયેલા તજજ્ઞા એવા તબીબો વહીવટી કક્ષાની કહેવાય એવી આ જગ્યા માટે ઈચ્છા દર્શાવતા નથી. આ કારણોથી મ્યુનિ.હસ્તકની હોસ્પિટલોમાં ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓને આપવામાં આવતી સેવાઓ ઉપર પણ અસર થઈ રહી છે.
મ્યુનિ. મેડિકલ ઓફિસર પણ સાત વર્ષથી ઈન્ચાર્જ
મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ જેના હસ્તક રહેલું છે એવા મેડીકલ ઓફીસર પણ છેલ્લા સાત વર્ષથી ઈન્ચાર્જ જ છે.વર્ષ-2013માં મ્યુનિ.ના મેડીકલ ઓફીસર તરીકે ડો.કુલકર્ણી વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા બાદ મ્યુનિ.ના મેડીકલ ઓફીસર તરીકેનો ચાર્જ ડો.ભાવિન સોલંકીને સોંપવામાં આવ્યો છે.જે સાત વર્ષ પછી પણ ઈન્ચાર્જ મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવી રહ્યા છે.