Get The App

VIDEO: વિરોચનનગરની અનોખી દશેરા: 100 વર્ષથી અશ્વ રેસની પરંપરા અકબંધ, હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: વિરોચનનગરની અનોખી દશેરા: 100 વર્ષથી અશ્વ રેસની પરંપરા અકબંધ, હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ 1 - image

Horse race held in Virochannagar : અમદાવાદ શહેર નજીક આવેલા સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે આજે (2 ઓક્ટોબર) દશેરાના પવિત્ર તહેવાર નિમિત્તે 100 વર્ષ જૂની પરંપરા મુજબ ભવ્ય અશ્વ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા માત્ર એક રમત નહીં, પણ ગામની ઐતિહાસિક ધરોહર, સાંસ્કૃતિક વિરાસત અને સામુદાયિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ બની રહી હતી.

કોમી એકતાનું અનોખું પ્રતીક

આ અનોખી સ્પર્ધામાં ગામના હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે કોમી એકતા અને ભાઈચારાનું પ્રેરણાદાયી દ્રશ્ય પૂરું પાડે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ, આ વર્ષે પણ ગ્રામજનોએ આ અશ્વ રેસને જીવંત રાખી હતી.


લોકો પોતાના અશ્વોને ખાસ રીતે શણગારી, સજાવીને રેસમાં ભાગ લેવા લાવ્યા હતા. આશરે 40 થી 50 અશ્વોએ આ રોમાંચક સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ અશ્વ દોડ જોવા માટે હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ખેડૂતો અને વડવાઓની વિરાસત

ગામના સરપંચ હિતેન્દ્રસિંહ બારડએ આ પરંપરાનો ઇતિહાસ જણાવતાં કહ્યું કે, "અમારા ગામના વડવાઓ ખેડૂતો હતા અને ખેતરોમાં જવા માટે અશ્વોનો ઉપયોગ કરતા. નવરાત્રિ અને ખાસ કરીને દશેરાના દિવસે, તમામ ખેડૂતો અને વડવાઓ પોતાના અશ્વો સાથે ગામના શક્તિ માતાના મંદિરે દર્શન કરવા આવતા."

VIDEO: વિરોચનનગરની અનોખી દશેરા: 100 વર્ષથી અશ્વ રેસની પરંપરા અકબંધ, હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ 2 - image

તેમણે ઉમેર્યું કે, "દર્શન કર્યા પછી શક્તિ માતાના મંદિરથી લઈને રામદેવ પીરના મંદિર સુધી આ અશ્વોની રેસ લગાવવામાં આવતી."

આ પણ વાંચો: ગાંધીનગર: વિજયાદશમીએ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનનો કરાયો ટ્રાયલ રન, નૂતન વર્ષથી સેવા થશે શરૂ

પહેલાના સમયમાં જીતેલાઓને ઇનામ પણ અપાતા, જોકે હવે ઇનામ અપાતા નથી. તેમ છતાં, ગ્રામજનોએ આ વર્ષો જૂની અશ્વોની રેસની પરંપરાને આજે પણ પૂરા ઉત્સાહ અને એકતા સાથે જાળવી રાખી છે. વિરોચનનગરની આ પરંપરા સાબિત કરે છે કે, તહેવારો અને સંસ્કૃતિ થકી ધર્મ અને સમાજની સીમાઓ ભૂંસી શકાય છે.