ગાંધીનગર: વિજયાદશમીએ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનનો કરાયો ટ્રાયલ રન, નૂતન વર્ષથી સેવા થશે શરૂ
Gandhinagar Metro Trial: અસત્ય પર સત્યના વિજયના પ્રતીક એવા વિજયાદશમીના પાવન અને શુભ અવસરે ગાંધીનગરના નાગરિકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આજે (બીજી ઓક્ટોબર) ગાંધીનગરમાં મેટ્રો રેલની કામગીરીમાં મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે, જેમાં સચિવાલયથી રૂટના અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન સફળતાપૂર્વક થયું હતું.
મેટ્રો રેલની કામગીરીમાં વેગ
હાલમાં સચિવાલય સુધી દોડાવવામાં આવતી મેટ્રો રેલની કામગીરી વધુ વેગવંતી બની છે. આ ટ્રાયલ રનમાં મેટ્રો રેલને સચિવાલયથી આગળ વધારીને કુલ પાંચ નવા સ્ટેશનો અક્ષરધામ, જુના સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી દોડાવવામાં આવી છે. આ સફળ ટ્રાયલ રનથી ગાંધીનગરના નાગરિકોને ટૂંક સમયમાં મેટ્રોની સુવિધા મળવાની આશા બંધાઈ છે.
નૂતન વર્ષમાં મહાત્મા મંદિર સુધીની સુવિધા મળશે
મેટ્રો રેલની ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ કમિશનર મેટ્રો રેલ સેફ્ટી (CMRS) સમક્ષ જરૂરી મંજૂરીઓ માટે દરખાસ્ત કરવામાં આવશે. તમામ જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ નૂતન વર્ષના આરંભમાં (આવતા વર્ષની શરૂઆતમાં) ગાંધીનગરના નાગરિકોને મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની સુવિધા ઉપલબ્ધ થતી થશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે કાયદો બનશે, 8 સભ્યોની સમિતિ રચાઈ
મુસાફરી બનશે વધુ સસ્તી, આરામદાયક અને પ્રદૂષણમુક્ત
ગાંધીનગરમાં આ કામગીરી પૂરી થવાથી અમદાવાદ અને ગાંધીનગરના કુલ 68 કિલોમીટરના રૂટ પરના 53 સ્ટેશનોને મેટ્રો રેલની સુવિધા પ્રાપ્ત થશે. મેટ્રો રેલની આ સેવા શરૂ થવાથી બંને શહેરોના લાખો મુસાફરોની દૈનિક મુસાફરી વધુ સસ્તી, આરામદાયક અને પ્રદૂષણમુક્ત બનશે.