Gujarat

કોવિડ પોઝિટીવ છતાં હોમ કવોરન્ટાઈન ન રહેનારા અમદાવાદના દસ કોરોના દર્દી સામે મ્યુનિ. દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ

By GS Team
9 Dec 20212 mins read
This article was originally published on 9 Dec 2021
કોવિડ પોઝિટીવ છતાં હોમ કવોરન્ટાઈન ન રહેનારા અમદાવાદના દસ કોરોના દર્દી સામે મ્યુનિ.  દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ

અમદાવાદ,ગુરુવાર,9 ડીસેમ્બર,2021

કોવિડ પોઝિટિવ હોવા છતાં સાત દિવસ હોમ કવોરન્ટાઈન રહેવાની ગાઈડલાઈનનો ભંગ કરનારા અમદાવાદના દસ કોરોના દર્દીઓ સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.ચાંદખેડા ઉપરાંત મણિનગર અને વાસણાના પરિવારના આ રહીશો લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફર્યા બાદ કોરોના પોઝિટિવ થયા હોવાનું મ્યુનિ.ના સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

ગુજરાત એપેડેમિક એકટની જોગવાઈ મુજબ તેમજ કન્ટ્રીઝ એટ રિસ્ક માટે ભારત સરકારની ગાઈડ લાઈન મુજબ,મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી બહારથી આવતા મુસાફરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.દરમ્યાન જે કોઈ કોરોના પોઝિટિવ હોય એવા તમામ લોકોને ગાઈડ લાઈન પ્રમાણે સાત દિવસ ફરજિયાત હોમ કવોરન્ટાઈન રહેવાનું હોય છે.આ સમય દરમ્યાન મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી પણ સમયાંતરે આવા દર્દીઓની તપાસ કરવામાં આવતી હોય છે.

અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા ચાંદખેડા વોર્ડમાં બે પરીવારના લોકો કોરોના પોઝિટિવ થયા હતા.મ્યુનિ.હેલ્થ વિભાગની ટીમની તપાસમાં આ પરિવારના લોકો હોમ કવોરન્ટાઈનમાં રહેવાના નિયમ છતાં તેનો ભંગ કરતા હોવાનું ધ્યાન ઉપર આવતા ચાંદખેડા વોર્ડમાં કુલ ચાર  લોકો સામે પોલીસ ફરિયાદ મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા દાખલ કરવામાં આવી છે.આ પ્રકારે વાસણા વોર્ડમાં પણ એક દર્દી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.દક્ષિણ ઝોનના મણિનગર વોર્ડમાં પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

૨૧ પાર્ટી પ્લોટ,કોમ્યુનિટી હોલમાં ૧૯૦ લોકોને કોરોના વેકિસન અપાઈ

અમદાવાદ શહેરમાં હાલ લગ્નસરાની મોસમ ચાલતી હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગની ટીમો દ્વારા સાત ઝોનમાં આવેલા ૨૧ જેટલા પાર્ટી પ્લોટ તેમજ કોમ્યુનિટી હોલમાં કોરોના વેકિસનને લઈ તપાસ હાથ ધરી હતી.મધ્યઝોનમાં ૨૨, દક્ષિણ ઝોનમાં ૧૨, પૂર્વ ઝોનમાં ત્રણ,ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૭૩,દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૨૩ અને પશ્ચિમ ઝોનમાં ૫૭ લોકો લગ્ન પ્રસંગમાં કોરોના વેકિસન લીધા વગર જ પહોંચતા મ્યુનિ.ની ટીમો દ્વારા ૧૯૦ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.

ડેપ્યુટી હેલ્થ ઓફિસરના ત્રણ ઈન્ક્રીમેન્ટ સ્ટોપ કરવા નિર્ણય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ફરજ બજાવતા ડેપ્યુટી હેલ્થ ઓફિસર સામે કરવામાં આવેલા આક્ષેપ બાદ વિજિલન્સ તપાસ પુરી થતા આ ડેપ્યુટી હેલ્થ ઓફિસરને મળવાપાત્ર ત્રણ ઈન્ક્રીમેન્ટ સ્ટોપ કરવા નિર્ણય કરવામાં આવ્યો હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.સૂત્રોના કહેવા મુજબ,આ ડેપ્યુટી હેલ્થ ઓફિસર સામે સાથી કર્મચારી દ્વારા હેરસમેન્ટ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.આ અગાઉ ડેપ્યુટી હેલ્થ ઓફિસર સામે બે સંસ્થામાંથી પગાર મેળવતા હોવાનો વિવાદ પણ બહાર આવવા પામ્યો હતો.મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં ફરજ બજાવતા એક ડેપ્યુટી હેલ્થ ઓફિસર કોરોના મહામારીના સમયમાં લાંચ પ્રકરણને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.