Hit-and-Run In Ahmedabad: અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર ફરી એકવાર પૂરઝડપે દોડતા વાહને યુવકનો ભોગ લીધો છે. હાઈવે પર એક રાહદારી યુવકને અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
શ્રમિક યુવકનું ઘટનાસ્થળે મોત
મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ વિજય નાયક તરીકે થઈ છે, જે મૂળ દાહોદ જિલ્લાના લુણા ગામનો વતની હતો. વિજય બાવળા પાસે આવેલા ભામસરા ગામની એક કંપનીમાં સેન્ટિંગ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગત રાત્રે હાઈવે પરથી પસાર થતી વખતે કોઈ અજાણ્યા વાહને તેને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં પણ UGCના વિરોધની આગ ભભૂકી, સવર્ણ સમાજ નારાજ, ભાજપને ફેંક્યો પડકાર
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત જ બગોદરા 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


