Gujarat Erupts Against UGC Rules: શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા નવા નિયમો લાદવા નક્કી કરાયું છે. ત્યારે દેશભરમાં વિરોધ વંટોળ ઉઠ્યો છે. હવે ગુજરાતમાં પણ યુજીસીના વિરોધની આગ ભભૂકી છે. કાળા કાયદાને દૂર કરવાની માંગ સાથે બુધવારે (28મી જાન્યુઆરી) સુરત, રાજકોટ, મહેસાણા સહિત અન્ય શહેરોમાં દેખાવો કરાયો હતો.
'કાળો કાયદો દૂર કરો'
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે યુજીસીના કાયદાને લઈને બ્રહ્મ- સવર્ણ સમાજ ભારોભાર નારાજ છે. આગામી દિવસોમાં આ નારાજગી ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. સુરત, રાજકોટમાં બ્રહ્મ સમાજ ઉપરાંત કરણી સેના દ્વારા યુજીસીના કાયદાને 'કાળો કાયદો' ગણાવીને કલેક્ટર કચેરી ખાતે દેખાવો કર્યું હતું. સાથે સાથે બ્રહ્મ સમાજે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા ચેડાં અટકાવવા માંગ કરી હતી.
મહેસાણામાં પણ પાટીદાર સમાજે પણ આ કાયદાને બંધારણીય ભાવના વિરુદ્ધ ગણાવ્યો છે. પાટીદાર નેતા વરુણ પટેલે પ્રતિક્રિયા આપી કે, 'આ કાયદા હેઠળ સવર્ણ વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ થાય તો તેને હોસ્ટેલ કે કોલેજમાંથી કાઢી મૂકવાની જોગવાઈ છે, પરંતુ જાણીજોઈને ખોટી ફરિયાદ કરે તો તેની સામે કોઈ કાર્યવાહીનો ઉલ્લેખ નથી. આવી જોગવાઇને કારણે સવર્ણ સમાજના વિદ્યાર્થીઓની કારકિર્દી રોળાઇ જશે તેમા શંકાને સ્થાન નથી. આ જોતાં પાટનગર ગાંધીનગરમાં સવર્ણ સમાજની એક બેઠકનું આયોજન કરાયુ છે જેમાં આંદોલનાત્મક વ્યૂહનીતિ ઘડવામાં આવશે.'
'ચૂંટણીમાં ભાજપને મતથી જવાબ આપીશું'
કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી બ્રહ્મ અને સવર્ણ જ્ઞાતિના આગેવાનોએ ચીમકી આપી છે કે જો આ કાળો કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી ચૂંટણીઓમાં ભાજપને મતની શક્તિથી જવાબ આપવામાં આવશે. આમ, યુજીસીના કાયદાને લઇને બ્રહ્મ અને સવર્ણ સમાજના સંગઠનો લડાયક મૂડમાં છે.


