અમદાવાદમાં મર્સીડિઝથી અકસ્માત કરનારો કોન્સ્ટેબલનો પુત્ર 8 દિવસે ઝડપાયો, પોલીસ તપાસ સામે સવાલ
Ahmedabad News : અમદાવાદમાં નબીરા બેફામ બન્યા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે શહેરમાં અકસ્માત, હીટ એન્ડ રનના બનાવો સામે આવે છે, ત્યારે શહેરના પેલેડિયમ મોલ પાસે મર્સીડિઝ કાર ચાલક યુવક ફુલ સ્પીડમાં આવીને અન્ય વાહન ચાલકને ટક્કર મારી હતી અને અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાના 8 દિવસે આરોપીને ઝડપી પાડ્યો છે, ત્યારે જાણવા મળ્યું હતું કે મર્સીડિઝ કાર ચાલક બીજું કોઈ નહીં પણ પોલીસકર્મીનો પુત્ર હતો. જ્યારે પોલીસ તપાસની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે આરોપી યુવકની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસકર્મીના દીકરાની 8 દિવસે ધરપકડ
અમદાવાદના પેલેડિયમ મોલ પાસે આવેલા ઓવરબ્રિજ પર 14 મેની રાત્રે 29 વર્ષીય વિજય વાઘજીભાઈ રબારી નામનો યુવક ફૂલ સ્પીડે મર્સીડિઝ કાર ચલાવીને 23 વર્ષીય રાષ્ટ્રીય સ્તરના ફૂટબોલર આન્દ્રે રાહુલ ભાટિયા નામના યુવકના વાહનને ટક્કર મારીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં ફૂટબોલરને ગંભીર ઈજા પહોંચી હતી. હાલ તે ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ કારણસર તેનો પરિવાર પણ પોલીસ તપાસ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ફૂટબોલર આન્દ્રે રાહુલ ભાટિયા ગુજરાત વતી સંતોષ ટ્રોફી પણ રમી ચૂક્યો છે. આ સિવાય પણ તે અનેક પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યો છે.
સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, મર્સીડિઝ ચાલક યુવક બીજું કોઈ નહીં પરંતુ અમદાવાદ રૂરલ પોલીસમાં કોન્સ્ટેબલમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો દીકરો હતો. વળી, હીટ એન્ડ રનના સમાચારો વહેતા થયા અને પીડિત પરિવાર સહિત લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે પોલીસે આઠ દિવસ બાદ આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. પોલીસનો દાવો છે કે, અમે ટેકનિકલ ડિટેલ્સ વેરિફાય કરતા હતા. હવે સવાલ એ છે કે, શું અકસ્માત સર્જીને ભાગ્યો ત્યારે આ કોન્સ્ટેબલનો પુત્ર નશામાં હતો? જ્યારે એવો પણ આરોપ છે કે, આ ઘટના દબાવી દેવામાં કોઈ સીનિયર પોલીસ અધિકારી પણ સામેલ હતા.
હીટ એન્ડ રન બનાવને લઈને એસજી 1 ટ્રાફિક પોલીસે મર્સીડિઝના બે શૉ-રૂમમાં તપાસ કરી હતી. જેમાં કારની માલિકી રોનક શાહની હોવાનું માલુમ પડતા પોલીસ ત્યાં પહોંચી હતી. જેમાં રોનક શાહે વેચાણ કરાર કરીને ગત 28 માર્ચના રોજ ધોળકાના સંજય વાઘજીભાઈ આલ/રબારીને કાર વેચી દીધી હોવાનું સામે આવ્યું હતું. પોલીસને આરોપીની ફેરબદલી અને વાઘજીભાઈ રબારીની વાત પર શંકા ગઈ હતી. આ પછી પોલીસે વિજય રબારીના કોલ ડેટા રેકોર્ડ નીકાળતા અકસ્માત સમયે તેની હાજરી હોવાનું જણાઈ આવ્યું હતું.