અંકલેશ્વરમાં વધુ એક પોલીસકર્મીનું હિટ એન્ડ રનમાં મૃત્યુ, રસ્તો ક્રોસ કરતાં અજાણ્યા વાહને મારી ટક્કર

Hit-and-Run In Ankleshwar: અંકલેશ્વરના અમરતપુરા પાટીયા નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેમાં અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં ફરજ પરના પોલીસકર્મીનું મૃત્યુ થયું છે. મૃતક પોલીસકર્મી અરવિંદ ચૌધરીના અવસાનથી સમગ્ર પોલીસ બેડામાં અને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
શ્વાનનો જીવ બચાવી પરત ફરતા અકસ્માત
મળતી માહિતી અનુસાર, મૃતક પોલીસકર્મી અરવિંદ ચૌધરી અંકલેશ્વર શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમનું મૃત્યુ એક સેવાકીય કાર્ય પૂર્ણ કર્યા બાદ થયું છે. તેમણે રસ્તા પર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા શ્વાનને જોયું હતું. તેણે તુરંત જ શ્વાનને મદદ કરી અને એનિમલ એમ્બ્યુલન્સ બોલાવીને તેનો જીવ બચાવ્યો હતો. આ માનવતાભર્યું કાર્ય પૂર્ણ કર્યા બાદ તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા, આ દરમિયાન અતિ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડ્યો છે અને PM બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: શહેરા તાલુકામાં માવઠાથી ડાંગર સહિતના પાકને વ્યાપક નુકસાન, તાત્કાલિક સહાયની ખેડૂતોની માગ
NH-48 પર ટ્રાફિક પોલીસકર્મીનું પણ મોત થયું હતું
ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વર પંથકમાં પોલીસકર્મીના હિટ એન્ડ રનમાં મૃત્યુની આ બીજી ઘટના છે. અગાઉ અંકલેશ્વર નજીક આવેલા પાનોલી વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-48) પર ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસકર્મી વિવેકસિંહ ડાભીનું પણ હિટ એન્ડ રનની ગંભીર ઘટનામાં મોત નિપજ્યું હતું.
વિવેકસિંહ ડાભી NH-48 પર ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી, જેના કારણે માથાના ભાગે અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ થવાથી તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

